રૂપિયા ચૂકવો, આ ઑસ્ટ્રેલિયન ટિકટૉકરની ઊંઘ ખરાબ કરો

01 July, 2022 09:35 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

બોહેમે તેના બેડરૂમમાં લેસર્સ, સ્પીકર્સ, બબલ મશીન અને એ સિવાય તેની ઊંઘ ડિસ્ટર્બ કરવા માટે બીજી અનેક વસ્તુઓ રાખી છે

જૅકી બોહેમ

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ કંઈક ક્રીએટિવ કરીને કે ક્યારેક તો કંઈ પણ ન કરીને અઢળક કમાણી કરી લેતા હોય છે. ઑસ્ટ્રેલિયાનો સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જૅકી બોહેમ લોકોને તેઓ ઇચ્છે એ રીતે તેને જગાડવા માટે કહે છે. તે આ રીતે લોકો પાસેથી તેની ઊંઘ ખરાબ કરવાના બદલામાં રૂપિયા લઈ રહ્યો છે. આ રીતે તે મહિને ૨૮,૦૦૦ પાઉન્ડ (૨૬ લાખ રૂપિયા)ની કમાણી કરી લે છે.

રાતે ૯ કે ૧૦ વાગ્યા પછી સામાન્ય રીતે મોટા ભાગના લોકો સૂઈ જાય છે ત્યારે જૅકી બોહેમ તેની ટિકટૉક ઍપ પર ‘લાઇવ’ ફંક્શન ચાલુ કરીને તેના કામકાજના દિવસની શરૂઆત કરે છે.
વાત સિમ્પલ છે. તે સૂઈ જાય છે એ પછી લોકો તેને રાતે ગમે ત્યારે જગાડે છે અને એના બદલામાં જૅકી રૂપિયા મેળવે છે. ટેક્નિકલી જોવા જઈએ તો તે તેના અલાર્મથી રૂપિયા કમાય છે. બોહેમે તેના બેડરૂમમાં લેસર્સ, સ્પીકર્સ, બબલ મશીન અને એ સિવાય તેની ઊંઘ ડિસ્ટર્બ કરવા માટે બીજી અનેક વસ્તુઓ રાખી છે.

હવે વ્યુઅર્સ ઇન્ટરઍક્ટિવ લાઇવ સ્ટ્રીમ મારફત બોહેમના બેડરૂમમાં રહેલા આ ડિવાઇસને કન્ટ્રોલ કરે છે. એનો ઉપયોગ કરીને લોકો તેની ઊંઘ ખરાબ કરી શકે છે. તેઓ સ્પીકર્સ પર મ્યુઝિક પ્લે કરી શકે છે કે પછી બબલ્સ ફેલાવી શકે છે.

ફૉલોઅર્સ અલાર્મ માટે કોઈ પણ સૉન્ગની પસંદગી કરી શકે છે અને તેઓ તેની સાથે લાઇટ-શો પણ કરી શકે છે.

આ ટિકટૉકરના ૫.૨ લાખથી વધારે ફૉલોઅર્સ છે, જેમાંથી અનેક લોકો તેને રોજ તેની ઊંઘ ખરાબ કરવા માટે તેને ઘણા રૂપિયા આપે છે. એક ક્લિપમાં જોવા મળ્યું હતું કે રાતે બબલ્સથી બોહેમને જગાડવામાં આવ્યો હતો. 

offbeat news international news australia