ફાયરબિગ્રેડના જવાનોનું કામ ત્રણ જાંબાઝ યુવાનોએ કર્યું

05 October, 2021 12:07 PM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયન રિપબ્લિક ઑફ ચેચન્યામાં તાજેતરમાં આવું જ બન્યું

વૃદ્ધ માણસને આગથી બચાવતા યુવાનો

આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડના જવાનોના જાંબાઝ ખેલ જોવા મળે એમાં થોડી ઓછી નવાઈ લાગે, કારણ કે તેમણે એવાં જોખમભર્યાં સાહસોની તાલીમ લીધી હોય છે, પરંતુ સામાન્ય યુવાનો તેમના જેવું સાહસ ખેડીને કોઈને આગથી બચાવે ત્યારે એ જોનારાઓ આફરીન થઈ જતા હોય છે.

રશિયન રિપબ્લિક ઑફ ચેચન્યામાં તાજેતરમાં આવું જ બન્યું.

ડોમ્બાએવ, ઔલોબાએવ અને એહમદોવ નામના ત્રણ યુવાનો એક પાર્કમાં હતા ત્યારે તેમણે જોયું કે દૂર એક બિલ્ડિંગમાં ત્રીજા માળની બાલ્કનીમાં એક વૃદ્ધ માણસ આગથી બચવા માટે બૂમ પાડી રહ્યા હતા.

આગની ઘટના બરાબર સમજાઈ જતાં તેઓ ટીમ બનાવીને તરત દોડી આવ્યા હતા અને વારાફરતી (સ્પાઇડર મૅનની જેમ) બિલ્ડિંગ પર ચડવા લાગ્યા હતા. ત્રણેય જણે એવી રીતે પ્લાન બનાવ્યો કે તેમનામાંથી એક જણ સૌથી પહેલાં ઉપર ચડીને શારીરિક રીતે અક્ષમ વૃદ્ધ માણસની બાલ્કનીમાં પહોંચી ગયો અને બાકીના બેમાંથી એક જણ બાજુની બાલ્કની જ્યાં આગની જ્વાળા નહોતી ત્યાં ઊભો રહ્યો અને ત્રીજો યુવાન પણ સડસડાટ ચડીને બાલ્કની સુધી આવી ગયો હતો. વૃદ્ધની સાથે બાલ્કનીમાં જે યુવાન હતો તેણે તેમને ઊંચકીને બાજુની બાલ્કનીમાં ઊભેલા મિત્રને પકડવા કહ્યું. એ બે જણની વચ્ચે ત્રીજો મિત્ર પણ ચડીને આવી ગયો હતો અને તેણે બેઉ મિત્રોને સાથ આપ્યો અને ત્રણેયે મળીને વૃદ્ધને બાજુની બાલ્કનીમાં હેમખેમ પહોંચાડ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનો આવે એ પહેલાં તેમનું જ કામ આ ત્રણ મિત્રોએ કરી નાખ્યું હતું. નજરે જોનારાઓએ ત્રણેય યુવાનોને ખૂબ બિરદાવ્યા હતા.

offbeat news international news russia