06 February, 2026 02:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
‘રૂપવાર તવાયફ’ ગામ
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ‘રૂપવાર તવાયફ’ નામના ગામના લોકોને ગામના નામને કારણે ખૂબ સામાજિક તિરસ્કાર સહન કરવો પડે છે. નામમાં આવેલો તવાયફ શબ્દ આ ગામના લોકો માટે જાણે અભિશાપ બની ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમનું ગામ અન્ય ગામો જેવું જ છે, વ્યવસ્થાઓ અને સુવિધાઓમાં પણ સારું છે; પરંતુ જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિ અમને તમારા ગામનું નામ શું? એવું પૂછે ત્યારે અમને નામ કહેવામાં શરમ આવે છે.’
ગામના યુવાનોની વળી યુનિક સમસ્યા છે. નામને કારણે તેમને નોકરી મેળવવામાં તકલીફ પડે છે. ઇન ફૅક્ટ, જ્યારે પણ કોઈ સરકારી દસ્તાવેજ બનાવવાનો હોય ત્યારે એમાં ગામના નામનો ઉલ્લેખ અનિવાર્ય હોય છે અને એને કારણે અનેક સવાલો અને સામાજિક ભેદભાવ ગામજનોને સહન કરવો પડે છે. આધાર કાર્ડ અને પૅન કાર્ડ સહિતનાં તમામ ઓળખપત્રોમાં ગામનું નામ આ જ રીતે લખેલું છે એને કારણે ક્યાંય આ દસ્તાવેજો આપવાના હોય તો પણ તકલીફ પડે છે. યુવાન છોકરીઓનાં લગ્ન કરવામાં મુશ્કેલી પડે છે. કદાચ પહેલાંના સમયમાં આ ગામમાં તવાયફો સાથે કોઈ સંબંધ હશે, પરંતુ હવે લગભગ છેલ્લી ત્રણથી ચાર પેઢીથી તવાયફ નામ સાથે કોઈ સંબંધ નથી. ગામના યુવાનો ભણી-ગણીને ઑફિસર બનવા માગે છે, પરંતુ ત્યાં પણ તેમને તવાયફ શબ્દને કારણે છોછ અનુભવવો પડે છે.