10 April, 2025 12:35 PM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
ચિઆન્ગ મેઇ બ્રેકફાસ્ટ વર્લ્ડ રેસ્ટોરન્ટ
દરેક બિઝનેસમાં ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ સ્કીમ બહુ જ મહત્ત્વની હોય છે. જોકે થાઇલૅન્ડની એક રેસ્ટોરાંએ ડિસ્કાઉન્ટ માટે એક અજીબ તરકીબ વાપરી છે. આ સ્કીમમાં તમે જેટલા વધુ પાતળા એટલું વધુ ડિસ્કાઉન્ટ મળે છે. થાઇલૅન્ડના ચિઆન્ગ મેઇ શહેરમાં ચિઆન્ગ મેઇ બ્રેકફાસ્ટ વર્લ્ડમાં આખો દિવસ ઇન્ટરનૅશનલ ક્વિઝિનની બ્રેકફાસ્ટ આઇટમો મળે છે. આ રેસ્ટોરાંમાં ૦ ટકાથી લઈને ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઑફર થાય છે. જોકે એ માટે તમારે રેસ્ટોરાંની બહાર રાખેલા ખાસ સળિયામાંથી પસાર થવાનું રહે છે. એમાં અલગ-અલગ કલરના પાંચ સ્લૉટ્સ છે જેમાં ૦ ટકાથી લઈને ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઑફર થાય છે. જે વ્યક્તિ સૌથી સાંકડા બારની વચ્ચેથી પસાર થાય તેને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળે અને એમ જેટલા મોટા બારની તમને જરૂર પડે એમ તમારા ડિસ્કાઉન્ટના ટકા પણ ઘટતા જાય. એક હદથી વધુ મોટા બારમાંથી પસાર થવું પડે તો તમને કોઈ ડિસ્કાઉન્ટ ન મળે.
આ નવી સ્કીમ કેટલાક લોકોને પસંદ આવી રહી છે તો કેટલાકને એમાં પણ રેસ્ટોરાં દ્વારા બૉડી-શેમિંગ થઈ રહ્યું છે એવું લાગે છે. એક રીતે જોઈએ તો વ્યક્તિ પોતાના વજન અને શરીર પર જમા થયેલી ફૅટ બાબતે કૉન્શ્યસ થાય એ માટે આવાં ગતકડાં જરૂર પૉઝિટિવ બદલાવ લાવી શકે છે. જોકે એમ છતાં દરેક વાતમાં વાંકું પાડનારા લોકોને લાગે છે કે આ સ્કીમ મેદસ્વી લોકોને શેમ ફીલ કરાવવા માટે છે એટલે એને દૂર કરવી જોઈએ.