15 July, 2025 12:08 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
સ્ટન્ટમૅન એસ. એમ. રાજુનું મૃત્યુ થયું
તામિલ ફિલ્મ ‘આર્યા’ના શૂટિંગમાં તામિલ ઍક્ટર વિશાલનો સ્ટન્ટ કરતી વખતે સ્ટન્ટમૅન એસ. એમ. રાજુનું મૃત્યુ થયું હતું. રવિવારે ફિલ્મના સેટ પર રાજુ કાર ઊંધી વાળવાનો સ્ટન્ટ કરી રહ્યો હતો.
સોશ્યલ મીડિયામાં આ દુર્ઘટનાનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જે હૃદયદ્રાવક છે. એમાં જોવા મળે છે કે રાજુ કાળા રંગની કારમાં છે. તે ઝડપથી આવે છે અને ઊંચાઈ પર મૂકેલા લાકડાના ટેબલ પર કાર ચડી જાય છે. એ પછી કાર હવામાં કૂદે છે અને ઘણી વખત પલટી ખાઈ જાય છે. શરૂઆતમાં ટીમને ખ્યાલ આવતો નથી કે રાજુનો અકસ્માત થયો છે, પરંતુ થોડી સેકન્ડમાં જ ટીમને ખ્યાલ આવી જાય છે કે કંઈક અઘટિત બન્યું છે અને તેઓ કાર તરફ દોડી જાય છે. ઘાયલ રાજુને કારમાંથી બહાર કાઢવામાં આવે છે.
રાજુ તામિલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આદરણીય અને અનુભવી સ્ટન્ટ કલાકાર હતો જે ગભરાયા વિના જોખમી ઍક્શન-સીન કરવા માટે જાણીતો હતો. તેણે ઘણાં વર્ષો સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અકસ્માત વખતે રાજુ જે ફિલ્મમાં કામ કરી રહ્યો હતો એ ૨૦૨૧માં આવેલી તામિલ સ્પોર્ટ્સ ડ્રામાની સીક્વલ છે જે ૨૦૨૬માં રિલીઝ થવાની સંભાવના છે.