15 December, 2025 11:41 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સાઉથ ઇન્ડિયન સમારંભોમાં સામાન્ય રીતે કેળના પાન પર જ ભોજન પીરસાતું હોય છે. જોકે તાજેતરમાં રાજાશાહી ઠાઠ ધરાવતા દક્ષિણ ભારતીય સમારંભનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં પીળા રંગના સિંહાસન પર મહેમાનોને બેસાડવામાં આવ્યા છે. બે જણ એક સિંહાસન પર બેસી શકે એટલી વિશાળ બેઠક છે અને ટેબલ પર બાજોઠની જગ્યાએ સોના જેવા પીળા રંગની જાયન્ટ કથરોટ જેવું વાસણ છે. એ વાસણની એક તરફ મોર ઊપસેલો છે. દરેક મહેમાનની થાળી આવી મોરની કથરોટથી સજેલી છે. અલબત્ત, એના પર જે ભોજન પીરસવામાં આવ્યું છે એ ટ્રેડિશનલ અને સાદું છે અને કેળના પાન પર જ સર્વ થયેલું છે. એક તરફ રાજાશાહી ઠાઠ અને બીજી તરફ સાદગીના અનોખા કૉમ્બિનેશને લોકોનાં દિલ જીતી લીધાં છે.