કપડાં લેવા માટે લોકો પાસે રૂપિયાનાં ફાંફાં, બૅન્કે લૉન આપવાનું શરૂ કર્ય

18 September, 2019 03:09 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

કપડાં લેવા માટે લોકો પાસે રૂપિયાનાં ફાંફાં, બૅન્કે લૉન આપવાનું શરૂ કર્ય

હવે મળશે કપડા પર લોન

હપ્તે ટીવી-ફ્રિજ મળે, અવન અને વૉશિંગ મશીન મળે તથા લોન પર ઘર પણ મળે તેમ જ ઑફિસ લેવી હોય તો પણ લોન મળે, પરંતુ કપડાં માટે લોન મળે ખરી? હા, મળે છે અને રાજકોટના રૈયા રોડ પર આવેલી ઝીલ ફૅશન્સે હપ્તેથી કપડાં આપવાનું શરૂ પણ કર્યું છે, મંદીની આ ચરમસીમા છે. લોકો પાસે કપડાં ખરીદવા માટે પણ પૈસા નથી રહ્યા એનો આ પુરાવો છે. ઝીલ ફૅશન્સે પણ આ મંદીને જોઈને જ હપ્તેથી કપડાં આપવાની યોજનાનો વિચાર કર્યો અને આજે એવી પરિસ્થિતિ છે કે એની આ સ્કીમ જબરદસ્ત હિટ થઈ છે. માણસની ત્રણ મૂળભૂત જરૂરિયાતો - રોટી, કપડાં અને મકાન - માંથી મકાન તો અત્યાર સુધી લૉનના હપ્તા ચુકવી ખરીદાતું હતું. હવે હપ્તેથી ખરીદીમાં કપડાંનો પણ નંબર લાગી ગયો છે. ભયંકર મંદીનાં ડાકલાં જોતાં રોટીને પણ લૉન પર ખરીદવી પડે એવા દિવસો ક્યારે આવે છે એ જોવાનું છે.

ઝીલ ફૅશન્સના માલિક ધર્મેશ વિઠલાણીએ કહ્યું કે ‘હપ્તેથી કપડાંની સ્કીમ અમે એક વર્ષ પહેલાં શરૂ કરી હતી. મંદી એ જ સમયે દેખાવા લાગી હતી, જેને લીધે અમે બજાજ ફાઇનૅન્સ સાથે વાત કરી અને એને કન્વીન્સ કરી. એણે તૈયારી દેખાડી એટલે બજાજ ફાઇનૅન્સ સાથે અમે આ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ઝીરો ડાઉન પેમેન્ટ અને ઝીરો ઇન્ટરેસ્ટની આ સ્કીમને કારણે આજે લોકો આવીને આખી ફૅમિલીનાં કપડાં એકસાથે લઈ શકે છે. તહેવારની સીઝનમાં પગારદાર લોકોની હાલત ખરાબ થાય છે, પણ અમારી સ્કીમને કારણે હવે એ પણ ઈઝીલી શૉપિંગ કરી શકે છે.’

મંદીના આ માહોલ વચ્ચે સંયુક્ત ફૅમિલીમાં જે રહેતું હોય તેને તહેવાર નડી જાય છે. હમણાં જન્માષ્ટમી ગઈ. બે ભાઈઓની એક ફૅમિલી સાથે રહે. બન્ને ભાઈઓને પાંચ બાળકો. નાનાં શહેરોમાં તહેવારોનું મહત્ત્વ અદકેરું હોય છે. જો બધાને એકેએક જોડી પણ કપડાં લઈ આપવામાં આવે અને એ પણ અજાણી કે ઓછી જાણીતી બ્રૅન્ડનાં તો પણ નાખી દેતાં બિલ ઓછામાં ઓછું પાંચ-સાત હજારે પહોંચી જાય અને જો એવું બને તો તહેવારમાં ફક્ત કપડાં જ આવે, બીજું કાંઈ નહીં. જન્માષ્ટમી જેવા દિવસોમાં સૌરાષ્ટ્રમાં બધા આજુબાજુમાં ફરવા પણ જતા હોય, પણ જો અડધી સૅલેરી આ રીતે કપડાંમાં જ ચાલી જાય તો રજાની બાકીની મજા બગડી જાય.

ધર્મેશભાઈ કહે છે, ‘નવાં કપડાં પહેરીને ઘરમાં બેસી રહેવાનો તો કોઈ અર્થ નથી, એ પહેરીને બહાર જ જવાનું હોય. હપ્તેથી કપડાં મળતાં હોવાને કારણે એનો ફાયદો એ થયો કે લોકો બધાને કપડાં પણ લઈ આપી શકે છે અને વેકેશન મુજબ ફરવા જવાનું પ્લાનિંગ પણ કરી શકે.’

ઝીલ ફૅશન્સની ઈએમઆઇ સ્કીમ જોઈને રાજકોટમાં ગયા મહિને ગૂંદાવાડી વિસ્તારમાં ન્યુ જનરેશન ફૅશન્સે પણ હપ્તેથી કપડાં આપવાનું શરૂ કર્યું છે. કોટક બૅન્કના સેલ્સ એક્ઝિક્યુટિવ રવિ પુરોહિત કહે છે, ‘અમારી પાસે બીજી પણ બે-ત્રણ ઇન્ક્વાયરી આવી છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર અમે આ સ્કીમને વર્કઆઉટ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ. મંદીને કારણે આ પ્રકારની ઑફર લોકોને અટ્રૅક્ટ કરે એ સમજી શકાય. કારણ કે ઈએમઆઇ પર શૉપિંગ કરવાથી પેમેન્ટ ચૂકવવામાં જે સરળતા રહે છે એને લીધે મંદી વચ્ચે પણ માણસ પોતાનો પ્રસંગ કે તહેવાર સાચવી શકે છે.’

ગૂંદાવાડીની ન્યુ જનરેશન ફૅશન્સના માલિક સંજય રાજદેવ કહે છે, ‘હપ્તેથી કપડાં લેવામાં બૅન્ક અમારું પેમેન્ટ ચૂકવી દે છે, જેના પર અમુક પર્સન્ટ કમિશન બૅન્ક પહેલેથી લઈ લે. રેડીમેડ ગાર્મેન્ટ્સમાં માર્જિન સારું હોય એટલે એ કમિશન ચૂકવવું પોસાય તો સાથોસાથ મંદીમાં વેપાર કરવાનું એક અટ્રૅક્શન પણ ઉમેરાય, જેનો લાભ અમને ચોખ્ખો દેખાયો છે.’

રાજકોટના જ એક વેપારીની દીકરીનાં મૅરેજ નવરાત્રિમાં છે. દીકરીને પરણાવીને કૅનેડા મોકલવાની છે. મૅરેજ દોઢ વર્ષ પહેલાં નક્કી થયાં હતાં, પણ એ પછી માર્કેટમાં મંદી આવી અને બધાં પ્લાનિંગ વિખાઈ ગયાં પણ હપ્તેથી કપડાંની આ સ્કીમને લીધે એ વડીલે દીકરી અને જમાઈનાં બધાં કપડાં હપ્તેથી ખરીદ્યાં, હવે તેઓ ૧૨ હપ્તામાં આ પેમેન્ટ ચૂકવી દેશે.

આ પણ વાંચો : હાશ, 15 ઓક્ટોબર સુધી નહીં ભરવો ટ્રાફિકના નિયમનો વધેલો દંડ

કઈ રીતે કરવામાં આવે છે ઈએમઆઇ શૉપિંગ?

જો તમારે ઈએમઆઇ પર શૉપિંગ કરવું હોય તો મિનિમમ ૫૦૦૦ રૂપિયાની ખરીદી કરવી પડે છે. ૫૦૦૦ના બિલના સીધા ત્રણ ઈએમઆઇ થઈ જાય અને ખરીદીના નેક્સ્ટ મહિનાથી હપ્તો બૅન્કમાં આવી જાય. કોઈ ડાઉન પેમેન્ટ નહીં અને કોઈ ઇન્ટરેસ્ટ પણ નહીં. ૫૦૦૦થી વધારેનું શૉપિંગ કરો તો ઇન્સ્ટૉલમેન્ટ વધારે થઈ શકે. આ મહિનેથી રાજકોટના આ વેપારીઓ મિનિમમ ખરીદી ૩૦૦૦ પર ઈએમઆઇની સ્કીમ ઑફર કરવાના છે અને જો મંદી વધશે તો દિવાળી સુધીમાં મિનિમમ ખરીદીનો આંકડો ૨૦૦૦નો કરવામાં આવશે.

gujarat offbeat news hatke news rajkot Rashmin Shah