24 August, 2026 04:47 PM IST | Moga | Gujarati Mid-day Correspondent
પાંચ મહિના સુધી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન મળતાં આખરેનવીનક્કોર કાર પર ઘાસચારો લાદીને બળદ જોતર્યો
પંજાબના મોગામાં નવી કાર ખરીદ્યા પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતાં માલિકે અનોખા અંદાજમાં રસ્તા પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ૩૧.૩૦ લાખ રૂપિયાની કાર ખરીદનારા દવિંદરપાલ સિંહને પાંચ મહિના પછી પણ RC ન મળતાં તેમણે ઘાસચારો લાદીને કારને બળદ સાથે બાંધી હતી અને બળદ પાસે કાર ખેંચાવીને રોડ પર નીકળી પડ્યા હતા. તેમનો આરોપ છે કે કાર ખરીદી એ વખતે બિલિંગમાં કંઈક ગરબડ થતાં ગાડીનું રજિસ્ટ્રેશન અટકી પડ્યું છે. RC ન હોવાથી કાર લઈને ક્યાંય જઈ પણ શકાતું નથી અને ગૅરેજમાં પડ્યે-પડ્યે કાર ખરાબ થઈ રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નહોતો એટલે આખરે તેણે બળદ જોતરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. દવિંદરપાલનું કહેવું છે કે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે તે ચંડીગઢની ઑફિસ પર પહોંચ્યા તો તેને કહેવામાં આવ્યું કે બિલિંગમાં નોંધાયેલી રકમ અને RTOના રેકૉર્ડમાં નોંધાયેલી રકમમાં અંતર છે.