મહિલાએ ૩૦ વર્ષે પહેલી વાર મોં ખોલ્યું

02 April, 2021 08:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોનું કહેવું છે કે આસ્થાના ચહેરા અને કપાળના અડધા ભાગ પર એક ગાંઠ હતી

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં તાજેતમાં ૩૦ વર્ષની એક મહિલા પર સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી બાદ આ મહિલા જન્મનાં ૩૦ વર્ષ પછી પહેલી વાર સરખી રીતે મોં ખોલી શકી હતી. વાસ્તવમાં આસ્થા મોંગિયા નામની આ મહિલાને જન્મથી જ જડબાના હાડકા અને ખોપડીના હાડકા વચ્ચે કોઈ તકલીફ હતી, જેને કારણે તેનું મોં ખૂબ જ નાનું ખૂલતું હતું. આ કારણે તે ખાઈ નહોતી શકતી. દાંતમાં લાગેલા ચેપને કારણે તેના બધા દાંત પણ પડી ગયા હતા.

ડૉક્ટરોનું કહેવું છે કે આસ્થાના ચહેરા અને કપાળના અડધા ભાગ પર એક ગાંઠ હતી. ગાંઠનું સ્થાન તેના કેસને એટલો જટિલ બનાવતી હતી કે બ્રિટન અને દુબઈના ડૉક્ટરોએ પણ તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. સર ગંગારામ હૉસ્પિટલના ડૉક્ટર રાજીવ આહુજાએ જણાવ્યા અનુસાર આવા પેશન્ટોનું મોં ખોલવા માટે બન્ને કૉન્ડિલ્સ (જડબાના હાડકાના સાંધા પરના બૉલ) દૂર કરવા જરૂરી હોય છે. આ ઉપરાંત ઘણી વાર કૉરોનૉઇડ પ્રોસેસ તરીકે ઓળખાતા બૉલની સામેના જીભ જેવા હાડકાના વિસ્તરણને સર્જિકલી દૂર કરવું કે પછી ફ્રૅક્ચર કરવું આવશ્યક હોય છે, પરંતુ આસ્થા મોંગિયાના કેસમાં જમણી બાજુએ કૉરોનૉઇડ પ્રોસેસની આસપાસ નસોનો ગુચ્છો હોવાથી આ કાર્ય એટલું સરળ નહોતું.

સર્જરી પછી આસ્થા લગભગ ત્રણેક સેન્ટિમીટર જેટલું મોં ખોલી શકે છે. જોકે ડૉક્ટરોનું કહેવું છે કે નિયમિત કસરત બાદ આસ્થા થોડું વધારે મોં ખોલી શકે છે. સામાન્ય માણસ છએક સેન્ટિમીટર જેટલું મોં ખોલી શકતો હોય છે. એના પરથી કહી શકાય કે આસ્થા અને તેના ડૉક્ટરોએ અડધી જીત મેળવી લીધી છે.

offbeat news national news new delhi