આ રસ્તાની ઉપરથી પસાર થતો બ્રિજ સાપ, અજગર અને ગરોળી માટે છે

01 December, 2020 07:33 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

આ રસ્તાની ઉપરથી પસાર થતો બ્રિજ સાપ, અજગર અને ગરોળી માટે છે

આ બ્રિજ સાપ, અજગર અને ગરોળી માટે છે

ઉત્તરાખંડના જંગલ વિભાગે નૈનીતાલ જિલ્લામાં આવેલા રામનગર વન વિભાગમાં સરિસૃપ વર્ગનાં પ્રાણીઓને જંગલમાં સેફલી ફરી શકે એ માટે રસ્તાની વચ્ચે ઓવરબ્રિજ બાંધ્યો છે. આ ઇકો બ્રિજ માણસો માટે નહીં, પણ જંગલી સરિસૃપ પ્રાણીઓ માટે છે. સરિસૃપ પ્રાણીઓ રોડ પર વાહનોની વચ્ચે કચડાઈને મરી જતાં હોવાથી આ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

કલાધુંગી-નૈનીતાલના બે લેનના હાઇવે પર બાંબુ, શણ અને ઘાસનો બનેલો આ બ્રિજ કૉન્ટ્રૅક્ટરોએ માત્ર ૧૦ દિવસમાં તૈયાર કર્યો હોવાનું જણાવાય છે. પાંચ ફુટ પહોળો અને ૪૦ ફુટની ઊંચાઈ ધરાવતો આ બ્રિજ બાંધવાનો ખર્ચ માત્ર બે લાખ રૂપિયા થયો છે. આ બ્રિજ ત્રણ પુખ્ત વયની વ્યક્તિનું વજન ખમી શકે છે.

નૈનીતાલનો હાઇવે ખૂબ વ્યસ્ત હોય છે અને પ્રવાસની સીઝનમાં ઘણાં ટૂરિસ્ટ વાહનો આ હાઇવે પરથી પસાર થાય છે. હાઇવેની નજીક આવેલા જંગલમાં અજગર, મૉનિટર લિઝાર્ડ જેવાં અનેક સરિસૃપ પ્રાણીઓ વસે છે. ટૂરિસ્ટનાં વાહનો દૂરથી દીપડા, હાથી જેવાં મોટાં પ્રાણીઓને જોઈને રોકી શકે છે, પરંતુ સાપ અને ગરોળી જેવાં સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ દૂરથી દેખાતાં ન હોવાથી એ ગાડી નીચે કચડાઈ જાય છે એટલે એમને બચાવવા માટે આ બ્રિજ બનાવાયો છે. સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ ઉપરાંત દીપડા જેવાં પ્રાણીઓ પણ આ બ્રિજનો ઉપયોગ કરી શકશે એવી વન વિભાગને આશા છે. બ્રિજ પર ત્રણ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા છે એનાથી કેયવાં પ્રાણીઓ કયા સમયે આ બ્રિજનો ઉપયોગ કરે છે એની માહિતી મળતી રહેશે.

uttarakhand offbeat news hatke news national news