પૅન્ટમાં ઘૂસી ગયેલો કોબ્રા કરડે નહીં એ માટે સાત કલાક સુધી ઊભો રહ્યો

01 August, 2020 07:20 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

પૅન્ટમાં ઘૂસી ગયેલો કોબ્રા કરડે નહીં એ માટે સાત કલાક સુધી ઊભો રહ્યો

પૅન્ટમાં ઘૂસી ગયો કોબ્રા

તમે જ્યાં રહેતા હો એ પરિસરમાં પણ જો તમે સાપને જોઈ લો તો પણ ગભરાટના માર્યા પસીનો છૂટી જાય અને એવામાં આ ભાઈના પૅન્ટમાં સાપ ઘૂસી ગયો હતો. પૅન્ટમાં સાપ કરડી ન જાય એટલે બિચારાએ ૭ કલાક સુધી પિલરને પકડીને ઊભા રહેવું પડ્યું.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના સિકંદરનગરમાં કેટલાક કામદારો ઇલેક્ટ્રિસિટીનો થાંભલો અને વાયર બેસાડવાનું કામ કરી રહ્યા હતા. કામ કર્યા પછી રાતનું ભોજન પતાવીને બધા કામદારો ખુલ્લામાં જ સૂતા હતા. એવામાં મધરાતે લવકેશ નામના એક કામદારના પૅન્ટમાં ઝેરી કિંગ કોબ્રા ઘૂસી ગયો. પૅન્ટમાં થયેલા સળવળાટથી સફાળો જાગી ગયેલો લવકેશકુમાર ઊભો થઈ ગયો. કોબ્રા પૅન્ટમાંથી આપમેળે નીકળે એવું લાગતું નહોતું એટલે તે એક પિલરને પકડીને સ્થિર ઊભો રહી ગયો. જો તે જરાય હલે અને સાપનું દિમાગ છટકે તો દંશ મારી લે. આવું ન થાય એ માટે તે સાત કલાક સુધી ઊભો રહ્યો. વહેલી સવારે સ્થાનિક લોકોએ સર્પમિત્રને બોલાવ્યો, જેણે લવકેશકુમારનું પૅન્ટ કાપીને સાપને બહાર નીકળવાનો માર્ગ કરી આપ્યો છેક ત્યારે લવકેશકુમારનો છુટકારો થયો.

જોકે સાપ કોઈના પહેરેલા કપડામાં ઘૂસી ગયો હોય એવી આ કાંઈ પ્રથમ ઘટના નથી. મહારાષ્ટ્રના અહમદનગરમાં પણ બીમાર સંબંધીના ખબરઅંતર પૂછવા ગયેલો એક માણસ રાતે હૉસ્પિટલમાં જમીન પર સૂતો હતો ત્યારે સાપ તેના શર્ટમાં ભરાઈ ગયો હતો અને વાઇલ્ડ લાઇફની રેસ્ક્યુ ટીમ તેની મદદે આવી હતી.

uttar pradesh offbeat news hatke news national news