ટ્વિટરના CEOની 5 શબ્દોના ટ્વીટની હરાજી:સૌથી ઊંચી બોલી 18.2 કરોડની

08 March, 2021 07:34 AM IST  |  Mumbai

ટ્વિટરના CEOની 5 શબ્દોના ટ્વીટની હરાજી:સૌથી ઊંચી બોલી 18.2 કરોડની

ટ્વિટરના કો-ફાઉન્ડર અને સીઈઓ જૅક ડૉર્સી

ટ્વિટરના કો-ફાઉન્ડર અને સીઈઓ જૅક ડૉર્સીની પાંચ શબ્દોના એક ટ્‌વીટની હરાજી થઈ રહી છે. આ ટ્‌વીટને ખરીદવા માટે ૧૮.૨ કરોડ રૂપિયા સુધીની બોલી લાગી ચૂકી છે. હકીકતે તે ડૉર્સી દ્વારા કરવામાં આવેલી ટ્‌વિટર પરની પહેલી પોસ્ટ હતી. ૨૧ માર્ચ, ૨૦૦૬ના રોજ કરવામાં આવેલા આ ટ્‌વીટમાં તેમણે પોતે ટ્‌વિટર અકાઉન્ટ તૈયાર કરી રહ્યા છે એમ લખ્યું હતું.

ટ્‌વીટ વેચતી એક વેબસાઈટ દ્વારા ડૉર્સીના ટ્‌વીટની હરાજી થઈ રહી છે. તેને ખરીદનાર વ્યક્તિને ડૉર્સીના ઓટોગ્રાફ સાથે ટ્‌વીટનું સર્ટિફિકેટ આપવામાં આવશે.

રવિવાર સવાર સુધીમાં ડૉર્સીના ટ્‌વીટની સૌથી ઊંચી બોલી ૧૮.૨ કરોડ રૂપિયા લાગી છે. મલેશિયાની એક કંપની બ્રિજ ઓરકેલના સીઈઓ સીના ઈસ્તવીએ ડૉર્સીની ટ્‌વીટ માટે આટલી ઊંચી રકમ બોલી છે. તેના પહેલાં અન્ય એક વ્યક્તિએ ટ્‌વીટ માટે ૧૪.૬ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ડૉર્સીનું પ્રથમ ટ્‌વીટ ખરીદવાનો મતલબ છે કે ખરીદનાર પાસે તે ટ્‌વીટનું ડિજિટલ સર્ટિફિકેટ હશે. વર્તમાન સમયમાં વર્ચ્યુઅલ વસ્તુઓનાં ખરીદ-વેચાણનું ચલણ ખૂબ જ વધી ગયું છે. થોડા દિવસ પહેલાં ૧૦ સેકન્ડની એક વિડિયો ક્લિપ ૪૮.૨ કરોડ રૂપિયામાં વેચાઈ હતી. ડૉર્સીનું ટ્‌વીટ વેચાઈ ગયા બાદ પણ સોશ્યલ મીડિયામાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ ટ્‌વીટ ક્યાં સુધી ઑનલાઈન ઉપલબ્ધ રહેશે તે ડૉર્સી અને ટ‍્વિટર નક્કી કરશે.

twitter offbeat news hatke news international news