રજા લંબાવવા ચાર વખત એક જ મહિલાને પરણ્યો અને ત્રણ વાર ડિવૉર્સ લીધા

16 April, 2021 09:29 AM IST  |  Taiwan | Gujarati Mid-day Correspondent

તાઇવાનની રાજધાની તાઇપેઇની બૅન્કમાં નોકરી કરતા એક જુવાનિયાએ ચાલુ પગારે પેઇડ લીવ લંબાવવાના ઇરાદાથી એક જ સ્ત્રી સાથે વારાફરતી લગ્ન કર્યાં હતાં અને છૂટાછેડા લીધા હતા.

પ્રતીકાત્મક તસવીર

તાઇવાનની રાજધાની તાઇપેઇની બૅન્કમાં નોકરી કરતા એક જુવાનિયાએ ચાલુ પગારે પેઇડ લીવ લંબાવવાના ઇરાદાથી એક જ સ્ત્રી સાથે વારાફરતી લગ્ન કર્યાં હતાં અને છૂટાછેડા લીધા હતા. એ સિલસિલામાં તેણે ચાર વખત પરણવા માટે અને ત્રણ વખત છૂટાછેડા માટેની વિધિ કરી હતી. ગયા વર્ષે માર્ચ મહિનામાં બૅન્ક કર્મચારીએ લગ્ન માટે રજાની અરજી કરીને આઠ દિવસની રજા મેળવી હતી. તેણે ૨૦૨૦ની ૬ એપ્રિલે પ્રથમ લગ્ન કર્યાં હતાં. ત્યાર પછી એ કન્યાને છૂટાછેડા આપીને ફરી પાછી લગ્નની રજાની અરજી કરી હતી. એ રીતે ત્રણ વખત છૂટાછેડા લઈને ચાર વખત પરણવાની ૩૨ દિવસની રજા લીધી હતી, પરંતુ બૅન્કના ઉપરીઓને એ કર્મચારીની ચતુરાઈ સમજાઈ જતાં તેમણે ફક્ત ૮ દિવસની રજા મંજૂર કરી હતી.

એ કર્મચારીએ ૩૨ દિવસની રજાની અરજી રેકૉર્ડ પર મૂકી હતી. એ કર્મચારીએ બાકીની ૨૪ રજા નામંજૂર કરવાના બૅન્કના નિર્ણયને પડકાર્યો હતો. 

બ્યુરોના અધિકારીઓએ તપાસ કરીને કર્મચારીની માગણીને વાજબી ઠેરવી હતી અને તેને કાયદેસર રજા નકારવા બદલ બૅન્ક પાસેથી ૫૨,૮૦૦ રૂપિયા જેટલી સ્થાનિક ચલણની રકમનો દંડ વસૂલ કર્યો હતો.

taiwan offbeat news hatke news international news