કોરોના નામની કપડાંની દુકાન પછી હવે બનાસકાંઠાની હોટેલ ચર્ચાનો વિષય બની

10 May, 2020 08:11 AM IST  |  Banaskantha | Gujarati Mid-day Correspondent

કોરોના નામની કપડાંની દુકાન પછી હવે બનાસકાંઠાની હોટેલ ચર્ચાનો વિષય બની

કોરોના હોટેલ

કેટલાક દાયકા સુધી ભારતમાં બાટા(ઇન્ડિયા)ને ટક્કર આપનારી શૂઝની બ્રૅન્ડ કોરોના ભંડોળની ટંચાઈને કારણે વીસેક વર્ષ પહેલાં ધરાશાયી થઈ ગઈ. કેરળમાં ગાર્મેન્ટ્સની એક દુકાનનું નામ ઘણા વખતથી કોરોના છે. સામાન્ય રીતે લોકો એની નોંધ લેતા નહોતા, પરંતુ એ નામનો રોગચાળો ફેલાયા પછી વાહનમાં કે રસ્તે ચાલતાં એ દુકાન પાસેથી પસાર થનારને ત્યાં ઊભા રહીને સેલ્ફી લેવાની ઇચ્છા થઈ જાય છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જોધપુર-પાલી હાઇવે પર કોરોના નામની હોટેલ લોકોના આકર્ષણનો વિષય બની છે. સિદ્ધપુરના રહેવાસી બરકતભાઈની એ હોટેલ ન્યુઝ-ચૅનલોમાં પણ ચમકી છે.

વ્યક્તિ, વસ્તુ, દુકાન, હોટેલ, કંપની કે બીજી કોઈ પણ બાબતના નામકરણમાં કંઈક નવું શોધવાનો માણસનો સ્વભાવ છે. જોકે એ નામની કોઈ સેલિબ્રિટી કે ફિલ્મ, નવા શોધાયેલા ગ્રહ કે પ્રદેશ અથવા વૈજ્ઞાનિક સંશોધન કે અજાયબીનું હોય તો લોકો કુતૂહલ કે વિસ્મયપૂર્વક એની ચર્ચા કરે છે. બાળકોનાં અવનવાં નામકરણ કરે છે. વાવાઝોડાં-હરિકેનનાં નામો પણ ચર્ચાસ્પદ બને છે. કુદરતી આફતો અને આતંકવાદી ઘટનાઓ વિશે અજાયબીની ચર્ચાઓ થાય છે. કોરોના ભલે વાઇરસ કે રોગચાળાનું નામ હોય, પરંતુ હાલમાં ક્યાંય પણ એ નામ વાંચવા કે જોવા મળે તો સૌને અચરજ થાય છે અને મીડિયા માટે એ ન્યુઝવર્ધી બને છે. બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદ પર ૨૦૧૫માં સ્થપાયેલી એ હોટેલ કોરોના હાલમાં રોગચાળાને કારણે બંધ છે, પરંતુ એનું સાઇનબોર્ડ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેરળની ગાર્મેન્ટ્સની દુકાનની માફક આ હોટેલ પણ કુતૂહલ અને વિસ્મયનો વિષય બની છે. ઉર્દૂ શબ્દ ‘કોરોના’નો અર્થ ગુજરાતી ભાષામાં ‘આકાશગંગા’ થાય છે. ભરૂચ પાસેના હાઇવે પર પણ આ જ નામની હોટેલ છે.

gujarat offbeat news hatke news