સિગારેટ માગવાના બહાને કાંડે પહેરેલી 6 કરોડની હીરાની ઘડિયાળ છીનવી લીધી

13 October, 2019 10:21 AM IST  |  ફ્રાન્સ

સિગારેટ માગવાના બહાને કાંડે પહેરેલી 6 કરોડની હીરાની ઘડિયાળ છીનવી લીધી

છ કરોડની હીરાની ઘડિયાળ

ફ્રાન્સની રાજધાની પૅરિસમાં થોડાક દિવસ પહેલાં એક ફાઇવ-સ્ટાર હોટેલના માલિક ધોળેદહાડે લૂંટફાટનો ભોગ બન્યા. હોટેલ નૅપોલિયનના ૩૦ વર્ષના માલિક સિગારેટ પીવા માટે બહાર નીકળ્યા હતા. તેઓ સિગારેટની કશ માણી રહ્યા હતા ત્યાં એક માણસે તેમની પાસે એક સિગારેટ માગી. હોટેલ માલિકે સિગારેટ આપવા હાથ લંબાવ્યો અને પેલા ચોરે પોતાનું કામ કરી લીધું. તેણે માલિકના હાથમાં લટકતી હીરાજડિત સ્વિસ વૉચ ઝડપી લીધી અને ત્યાંથી પલકવારમાં તો ગાયબ થઈ ગયો. આ હીરાજડિત ઘડિયાળ સ્વિસ લક્ઝરી બ્રૅન્ડ રિચર્ડ મિલની ટરબિલ્યિન ડાયમન્ડ ટ્વિસ્ટર હતી, જેની કિંમત ૭,૮૦,૦૦૦ યુરો એટલે કે લગભગ ૬ કરોડ રૂપિયા છે. જે જગ્યાએ આ લૂંટ થઈ ત્યાંનું ફુટેજ પોલીસને મળ્યું છે જેના આધારે હવે ચોરની તપાસ ચાલી રહી છે. જોકે પૅરિસ અને ફ્રાન્સમાં ચોરોની નજર કરોડોની ઘડિયાળ પહેરીને ફરતા અમીરજાદા સહેલાણીઓ પર હંમેશાં રહી છે. અહીં રૉલેક્સ અને કાર્ટિયર બ્રૅન્ડની ઘડિયાળો ફ્રાન્સમાં કોઈ પેપર વિના વેચાઈ શકે છે અને ચોર આસાનીથી એની રોકડી કરી લઈ શકે છે. આ ઘડિયાળો ૪૪ લાખથી લઈને ૩ કરોડ રૂપિયા સુધીની હોય છે. જોકે રિચર્ડ મિલની આ ઘડિયાળની કિંમત લગભગ બમણી છે. પૅરિસની પોલીસનું કહેવું છે કે ૨૦૧૮ની સરખામણીએ આ વર્ષે બ્રૅન્ડેડ વૉચની ચોરીની ઘટનાઓમાં ૨૮ ટકા વધારો થયો છે. આ વર્ષના આઠ મહિનામાં ૭૧ લક્ઝુરિયસ ઘડિયાળ ચોરાયાની ફરિયાદ આવી છે.

આ પણ વાંચો : 78 ફુટ પહોળી કૅનલમાંથી 72 ફુટ પહોળી ક્રૂઝ શિપ પસાર થઈ

પોલીસનું કહેવું છે કે ઇટલી અને રશિયાની ગૅન્ગ આવી ઘટનાઓને અંજામ આપે છે. મોટા ભાગે ચોરો સમય પૂછે છે, સિગારેટ માંગવી, કારના સાઇડ-મિરરને વાળી નાખવો જેવી હરકતો કરે છે જેને કારણે મોંઘી ઘડિયાળ પહેરનાર વ્યક્તિ હાથ લાંબો કરે અને ચોરો એ સેરવી લઈ શકે.

france paris offbeat news hatke news