આ મહિલા બૉક્સર પુરુષો સાથે બૉક્સિંગ કરવા સિસ્ટમ સામે લડી રહી છે

12 March, 2020 07:37 AM IST  |  Russia

આ મહિલા બૉક્સર પુરુષો સાથે બૉક્સિંગ કરવા સિસ્ટમ સામે લડી રહી છે

મહિલા બૉક્સર

રશિયાની બાવીસ વર્ષની બૉક્સર તાત્યાના દ્વાશદોવા પોતાને પુરુષોથી જરાય ઓછી સમજતી નથી. એ જ કારણસર તે વર્ષો સુધી ‘વ્લાદિમીર’ના નામે પુરુષો જોડે બૉક્સિંગ કરતી હતી. તેણે વ્લાદિમીર એર્માલેયોવની ખોટી આઇડેન્ટિટી સાથે પુરુષ બૉક્સર્સ જોડે લડેલી ૧૭ બૉક્સિંગ મૅચોમાંથી ૯ મૅચો જીતી છે. બૉક્સિંગમાં પુરુષો કરતાં સ્ત્રીઓ કોઈ પણ રીતે ઊતરતી નહીં હોવાનું તાત્યાનાએસાબિત કર્યું છે, પરંતુ તેની ખરી ઓળખ જાહેર થઈ જતાં હવે તેને પુરુષો સાથે રિંગમાં ઉતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તાત્યાનાની પુરુષ બૉક્સર્સ જોડે લડવાની કહાણી ૨૦૧૭માં જાહેર થઈ ગઈ હતી. એ વખતથી તાત્યાના સ્ત્રી-પુરુષ ભેદભાવ વિરુદ્ધ લડત ચલાવે છે. સ્ત્રીઓ અને પુરુષો માટે સમાન અવસર માટેનાં અભિયાનમાં જોડાય છે. તાત્યાના પુરુષો જોડે સ્પર્ધા કરવાની તક નહીં અપાતાં અધિકારીઓ સાથે ઝઘડા કરી ચૂકી છે. અધિકારીઓ ન માને તો મહિલાઓની બૉક્સિંગ મૅચોનો બહિષ્કાર અનેક વખત કર્યો છે. તે પોતાને તથા અન્ય મહિલા બૉક્સર્સને પુરુષો સામે બૉક્સિંગ કરવાની છૂટ આપવા નિયમો બદલવાની માગણી કરતી રહે છે.

તાત્યાના જે કંપનીમાં નોકરી કરે છે ત્યાં પણ તેણે સ્ત્રી-પુરુષના ભેદભાવનો સામનો કરવો પડે છે. તે એક કંપનીમાં લોડરનું કામ કરે છે. સામાન્ય રીતે એ કામ ફક્ત પુરુષોને સોંપાય છે તેમ છતાં તાત્યાનાએ એ નોકરી સ્વીકારી છે. લોડર સ્ત્રી હોવાનું જાણીને કેટલાક લોકો તેમના ઑર્ડર કૅન્સલ કરે છે.

russia offbeat news hatke news