યુદ્ધમાં દુશ્મનોને છેતરવા માટે રશિયાનું લશ્કર બનાવે છે બલૂન્સ વૉર-ટૅન્ક

26 October, 2020 08:07 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

યુદ્ધમાં દુશ્મનોને છેતરવા માટે રશિયાનું લશ્કર બનાવે છે બલૂન્સ વૉર-ટૅન્ક

બલૂન્સની વૉર-ટૅન્ક

યુદ્ધ લડવાની અનેક નીતિઓ અને પદ્ધતિઓમાં એક દુશ્મનોને છેતરવાના વ્યૂહ છે. યુદ્ધોના ઇતિહાસમાં શત્રુઓને ભ્રમમાં નાખવા અને ગેરમાર્ગે દોરવાના અનેક કિસ્સા અને તરકીબો લોકોએ વાંચ્યા, સાંભળ્યા અને જાણ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપથી લઈને નેપોલિયન બોનાપાર્ટ સહિત અનેક વીર લડવૈયા અને પ્રતાપી સેનાપતિઓના વ્યૂહ અને યુદ્ધ લડવાની નીતિઓ તથા રીતરસમો હંમેશાં ચર્ચાનો વિષય બનતી રહી છે. દુશ્મનને ભ્રમિત કરવાનો વ્યૂહ આજે પણ એટલો જ લોકપ્રિય છે. હાલમાં દુશ્મનોને છેતરવા, ભ્રમિત કરવા કે ગેરમાર્ગે દોરવાની તરકીબોમાં રશિયાના બલૂન્સ ચર્ચાનો વિષય બન્યા છે. ફુગ્ગા ફુલાવીને રચેલી કિલ્લેબંધી અને હથિયારોની ગોઠવણી જે આભાસી દૃશ્ય રચે છે એ દૃશ્ય શત્રુઓના મનમાં અલગ ચિત્ર સર્જે છે. એ કિલ્લેબંધી અને શસ્ત્રસરંજામની ગોઠવણી બનાવટી હોવાનું સામા પક્ષને ભાગ્યે જ સમજાય છે. એલેક્સેઇ કારામોવ જેવા મિલિટરી એન્જિનિયરિંગના નિષ્ણાતો માને છે કે આવી બનાવટો અને તરકીબો વિજય નિશ્ચિત કરવામાં સૌથી વધારે કારણભૂત બને છે. એક વખતમાં ફક્ત બલૂન્સ બનાવતી રુસબાઈ કંપની હવે તમામ લશ્કરી સાધનસરંજામની પ્રતિકૃતિઓના બલૂન્સ બનાવે છે. ૧૯૯૩માં હૉટ ઍર બલૂન્સ બનાવતી એ કંપની રૉકેટ-લૉન્ચર્સ, ટૅન્ક્સ અને ફાઇટર જેટ્સના પણ મોટા કદના ઇન્ફ્લેટેબલ બલૂન્સ બનાવે છે. ઇન્ફ્લેટેબલ બલૂન્સ કે રેપ્લિકા વડે શસ્ત્રો અને લશ્કરી સાધનસરંજામ વડે યુદ્ધ લડવાની શૈલી રશિયામાં ‘મસ્કિરોવ્કા’ નામે ઓળખાય છે. 

russia offbeat news hatke news international news