11 વર્ષનો છોકરો 100 કિલો વજન ઊંચકીને બન્યો સ્ટ્રૉન્ગેસ્ટ ચાઇલ્ડ

02 January, 2020 10:29 AM IST  |  Russia

11 વર્ષનો છોકરો 100 કિલો વજન ઊંચકીને બન્યો સ્ટ્રૉન્ગેસ્ટ ચાઇલ્ડ

ટિમોફી ક્લેવકિન

૧૦-૧૧ વર્ષે છોકરાઓ સ્કૂલ, ખેલકૂદ, વિડિયો ગેમ્સ, વેબ સર્ફિંગ જેવી પ્રવૃત્તિઓમાં મસ્ત રહેતા હોય છે, પરંતુ રશિયાના ગ્રામીણ પ્રદેશનો ૧૧ વર્ષનો ટિમોફી ક્લેવકિન જિમ્નૅશ્યમની ટ્રેઇનિંગમાં રચ્યોપચ્યો રહે છે. વેઇટ લિફ્ટિંગના વિક્રમો તોડવાની તેની આકાંક્ષા છે. તિમોફીને પાંચ વર્ષની ઉંમરથી વેઇટ લિફ્ટિંગમાં વિશેષ રુચિ હતી.

નાની ઉંમરથી ટિમોફી યુરલ પહાડોની વચ્ચેના શાલ્યા ગામમાં હંગામી વ્યાયામશાળામાં પિતાને અન્ય પહેલવાનો અને વેઇટ લિફ્ટર્સને તાલીમ આપતાં જોઈને વેઇટ લિફ્ટિંગ તરફ આકર્ષાયો હતો. દીકરાની રુચિ જોઈને પિતા આર્સેની ક્લેવકિને તેને વેઇટ લિફ્ટિંગની તાલીમ આપવા માંડી. આર્સેનીની પત્નીએ દીકરો સાવ નાનો હોવાનું કહેતાં તાલીમ સામે વિરોધ કર્યો. એ વિરોધને અવગણીને આર્સેનીએ દીકરાને વેઇટ લિફ્ટિંગની તાલીમ નિયમિત ચાલુ રાખી.

ટિમોફી છ વર્ષનો હતો ત્યારે તેણે વેઇટ લિફ્ટિંગની પ્રાદેશિક સ્પર્ધામાં પંચાવન કિલોનો બારબેલ ઊંચક્યો હતો. એ જોઈને દર્શકો અને નિર્ણાયકો અચંબામાં પડ્યા હતા. રશિયાના ચેલ્યાબિન્સ્ક શહેરમાં યોજાયેલી એશિયન કપ સ્પર્ધામાં ૩૮ કિલો વજન ધરાવતા ટિમોફી ક્લેવકિને ૧૦૦ કિલોની બારબેલ ઉપાડીને સૌને પ્રભાવિત કર્યા હતા. ટિમોફી હવે ૧૦૫ કિલો વેઇટ લિફ્ટિંગ કરીને નૅશનલ ડેડલિફ્ટ રેકૉર્ડ તોડવા ઇચ્છે છે.

હજુ ટીનેજમાં પ્રવેશથી બે વર્ષ દૂર ટિમોફીની તાલીમ પણ કેવી! તે છોકરો તેના વજન કરતાં બમણા વજનના ટ્રૅક્ટર ટાયર્સ ઉપાડે અને ઇલાસ્ટિકનો પટ્ટો બાંધીને મોટાં ટ્રૅક્ટર્સ અને કાર ખેંચે છે. ભલભલા ભાયડાઓ જે કરી શકતા નથી એ કરીને તિમોફી તેના શાલ્યા ગામનો હીરો બન્યો છે.

russia offbeat news hatke news