પીત્ઝા પાર્ટીમાંથી બાકાત રાખવા બદલ રિસેપ્શનિસ્ટને આપવું પડ્યું 24 લાખનું વળતર

11 May, 2021 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑફિસમાં યોજાયેલી પીત્ઝા પાર્ટીમાંથી બાકાત રાખવા બદલ કાર ડીલરશિપની ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટને તાજેતરમાં ૨૩૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨૪ લાખ રૂપિયા)નું વળતર આપવું પડ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ઑફિસમાં યોજાયેલી પીત્ઝા પાર્ટીમાંથી બાકાત રાખવા બદલ કાર ડીલરશિપની ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટને તાજેતરમાં ૨૩૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨૪ લાખ રૂપિયા)નું વળતર આપવું પડ્યું હતું. 

માલ્ગોર્ઝાતા લેવિકા હાર્ટવેલ કંપનીમાં કામ કરે છે જે ફૉર્ડ કારની ડીલરશિપ ધરાવે છે. આ કંપનીમાં અનેક વાર પાર્ટી યોજાય છે, જેમાં સ્ટાફને તેમનો ઑર્ડર ઘરે લઈ જવા દેવાય છે. પાર્ટીમાં પીત્ઝાથી બર્ગર સુધીની ચીજો ઑર્ડર કરી શકાય છે. જોકે માલ્ગોર્ઝાતા લેવિકાએ એવો દાવો કર્યો હતો કે મને જાણીજોઈને પાર્ટીની જાણ કરવામાં નહોતી આવી. તેને બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર પણ કરવામાં આવી હતી. માલ્ગોર્ઝાતા લેવિકાએ જણાવ્યું કે ‘હું ૨૦૧૪થી કંપનીમાં કામ કરું છું અને ૨૦૧૮માં મેં જાતીય સતામણીની કરેલી ફરિયાદને પગલે મારો પગાર ઘટાડી નાખવામાં આવ્યો હતો તેમ જ મારી સાથે આવું અવગણનાભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.’ ટ્રિબ્યુનલે તપાસ કરતાં આ બાબત સાચી જણાતાં તેની સાથે દુર્વ્યવહાર કરનાર કર્મચારીને લેખિત નોટિસ આપી હતી.

માલ્ગોર્ઝાતા લેવિકાએ જણાવ્યું કે એ સમયથી જ તેની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને તેને જાણીજોઈને પીત્ઝા પાર્ટીથી માંડીને તમામ ઇવેન્ટમાં બાકાત રાખવામાં આવી રહી હતી. 

ટ્રિબ્યુનલ સામે કંપનીએ મહિલા પાર્ટટાઇમ નોકરી કરતી હોવાનું જણાવ્યું હતું. જોકે ટ્રિબ્યુનલે આ કારણનો અસ્વીકાર કરતાં માલ્ગોર્ઝાતા લેવિકાના દાવાને યથાર્થ ઠરાવી તેને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

offbeat news hatke news