ધૂમ સ્ટાઇલમાં 24.60 કરોડનાં પુસ્તકો ચોરાયેલાં, જે પોલીસે શોધી કાઢ્યાં

14 November, 2020 07:28 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ધૂમ સ્ટાઇલમાં 24.60 કરોડનાં પુસ્તકો ચોરાયેલાં, જે પોલીસે શોધી કાઢ્યાં

પુસ્તકો

રોમાનિયાની એક ચોર-મંડળી યુરોપમાં ‘મિશન ઇમ્પૉસિબલ ગૅન્ગ’ તરીકે જાણીતી છે. એ ચોર-મંડળી ઍક્રોબૅટિક ટેક્નિક્સમાં પારંગત હોવાથી અશક્ય જણાતા ઠેકાણે પણ હાથફેરો કરીને રફુચક્કર થઈ જાય અને કોઈને ખ્યાલ પણ ન આવે એવું બનતું હતું. એ જ કારણસર આ આંતરરાષ્ટ્રીય ચોર-મંડળીને વિવિધ દેશોની પોલીસ તથા ઇન્વેસ્ટિગેશન એજન્સીઓમાં ‘મિશન ઇમ્પૉસિબલ ગૅન્ગ’ તરીકે ઓળખ પ્રાપ્ત થઈ હતી. 

આ ગૅન્ગ ‘જૂગનુ’, ‘જ્વેલથીફ’ અને ‘શાલિમાર’ જેવી હિન્દી ફિલ્મોની ચોરીનાં નાટ્યાત્મક દૃશ્યો યાદ આવે એ રીતે ચોરીનું કામ પાર પાડતા હતા. લંડનની પોલીસનું તો માનવું છે કે ચોરોની કાર્યપદ્ધતિ ૧૯૯૬ની ટૉમ ક્રૂઝની ફિલ્મને યાદ કરાવે એવી છે. એ ફિલ્મમાં ચોરનું પાત્ર ભજવતા અભિનેતા ટૉમ ક્રૂઝ દરવાજાનાં તાળાં તોડવાને બદલે છાપરેથી શરીર પર દોરડું બાંધીને રૂમમાં લટકતી હાલતમાં તિજોરી ખોલીને ચોરી કરતો હોવાનું દૃશ્ય યાદગાર છે. 

રોમાનિયાની ઍક્રોબૅટિક ‘મિશન ઇમ્પૉસિબલ ગૅન્ગ’ ૨૦૧૭માં લંડનમાં હતી. એ વખતે લગભગ ડઝનેક ઠેકાણે ચોરી કરીને એ મંડળી રફુચક્કર થઈ ગઈ હતી. એ ચોરીઓ-ઘરફોડીઓમાં ૩.૩ મિલ્યન ડૉલર (અંદાજે ૨૪.૫૯ કરોડ રૂપિયા) જેટલી કિંમતનાં ૨૪૦ દુર્લભ પુસ્તકોની ચોરીનો પણ સમાવેશ હતો. અમેરિકામાં યોજાનારા પુસ્તકમેળામાં મોકલવા માટે ઇટલી અને જર્મની સહિત વિવિધ દેશોમાંથી મગાવવામાં આવેલાં રેર પુસ્તકોમાંથી મોટો જથ્થો ચોરાયો હતો. એમાં આઇઝેક ન્યુટન અને ગેલિલિયો જેવા મહાન વિજ્ઞાનીઓ તથા સ્પૅનિશ કલાકાર ફ્રાન્સિસ્કો ગોયા જેવા કલાજગતના વૈશ્વિક મહારથીઓનાં ઓરિજિનલ અને ઑથેન્ટિક દુર્લભ પુસ્તકોનો સમાવેશ હતો. ચોર કે અનધિકૃત વ્યક્તિના પ્રવેશ વેળા ચેતવણીના અલાર્મ માટે વખારમાં ગોઠવાયેલા સેન્સર્સથી બચવા માટે એ ગૅન્ગના સભ્યોએ ઍક્રોબૅટિક કુશળતાપૂર્વક છત પરથી અંદર ઊતરીને ચોરી કરી હોવાનું પોલીસ માને છે. લંડનની પોલીસે રોમાનિયાના પોલીસ તંત્ર સાથે સમન્વય સાધીને રોમાનિયાના અંતરિયાળ વિસ્તારના ગામના ઘરમાંથી એ ૨૪૦ પુસ્તકો શોધી કાઢ્યાં હતાં. એ પુસ્તકો રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાં લાવવામાં આવ્યાં હતાં. પુસ્તકોના માલિકોને ત્યાં બોલાવીને તેમની મિલકત સોંપી દેવામાં આવી હતી. 

લંડનની મેટ્રોપૉલિટન પોલીસે એ ગૅન્ગના ૧૨ સભ્યોની ધરપકડ કરી હતી. એ બધાને કોર્ટે ચારથી છ વર્ષની જેલવાસની સજા ફટકારી છે. 

london offbeat news hatke news international news