એક વીડિયોએ પરિવારથી વિખૂટા પડેલા માણસનું પુનર્મિલન કરાવ્યું

31 May, 2020 08:25 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

એક વીડિયોએ પરિવારથી વિખૂટા પડેલા માણસનું પુનર્મિલન કરાવ્યું

પરિવારથી વિખૂટા પડેલા માણસનું પુનર્મિલન કરાવ્યું પંજાબ પોલીસે

તેલંગણમાં કુટુંબીજનોથી વિખૂટા પડી ગયેલા વ્યક્તિના પરિવાર સાથે પુનર્મિલન માટે સોશ્યલ મીડિયા ઉપયોગી નીવડ્યું છે. હસતા-હસાવતા અને તરેહ-તરેહના સંદેશા આપતા ટિકટૉકવીડિયોને કારણે આવી સુખદ ઘટના બની છે. પંજાબ પોલીસના કૉન્સ્ટેબલ અજાયબ સિંઘે પ્રસારિત કરેલા ટિકિટૉકવીડિયોને કારણે એ બાબત શક્ય બની હતી. અજાયબ સિંઘે ગરીબ અને કમનસીબ લોકોને મદદ કરવાનો સંદેશ આપવા આર. વેન્કટેશ્વરાલુ સાથે વાતચીતનોવીડિયો ટિકટૉક પર અપલોડ કર્યો હતો, પરંતુ એવીડિયો વેન્કટેશ્વરાલુનું તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં પણ મદદરૂપ બન્યો હતો.

વાત જાણે એમ હતી કે ૨૦૧૮માં વેન્કટેશ્વરાલુ તેલંગણમાં વતનથી સેંકડો કિલોમીટર દૂર લુધિયાણામાં પહોંચ્યો હતો, પરંતુ આ ટિકટૉકવીડિયો પ્રસારિત થયા પછી એક મિત્રના ધ્યાનમાં આવ્યું હતું. એ મિત્રે વેન્કટેશ્વરાલુના પરિવારને જાણ કરી હતી. બે વર્ષથી વેન્કટેશ્વરાલુને શોધતા પરિવારે પંજાબ પોલીસનો સંપર્ક સાધતાં પોલીસે પરિવારને વેન્કટેશ્વરાલુ સુધી પહોંચાડ્યો હતો. બોલી અને સાંભળી ન શકતો વેન્કટેશ્વરાલુ લુધિયાણામાં એક બ્રિજની નીચે રહેતો હતો અને અજાયબ સિંઘ જેવા દયાળુઓ રોજ તેને ખાવાનું આપતા હતા. વેન્કટેશ્વરાલુના પુત્રના કહેવા મુજબ તેના પિતા મજૂરીકામ કરતા હતા. ૨૦૧૮માં તેઓ અન્ય કેટલાક મજૂરો સાથે નજીકના જિલ્લાના ગામમાં મજૂરી માટે ટ્રકમાં બેઠા હતા. ટ્રકમાં તેને ઊંઘ આવી ગઈ અને કલાકોના પ્રવાસ બાદ ખૂબ દૂર પહોંચી ગયા હતા. ડ્રાઇવરે કોઈ અજાણ્યા પ્રદેશના રસ્તા પર વેન્કટેશ્વરાલુને ઉતારી મૂક્યો હતો. તે અન્ય ટ્રકમાં લિફ્ટ લઈને લુધિયાણા પહોંચી ગયો હતો.

punjab telangana offbeat news hatke news national news