લૉકડાઉન પછી હળવા થવા પૅરન્ટ્સે બાળકોને ‘યસ ડે’ ફિલ્મની જેમ ખુશ કર્યાં

16 April, 2021 09:51 AM IST  |  South wales | Gujarati Mid-day Correspondent

ફિલ્મો જોવાની જેટલી મજા આવે એટલી મજા એને વાસ્તવમાં જીવવામાં ન આવે એ હકીકત છે. સાઉથ વેલ્સના એક પરિવારે લૉકડાઉનથી કંટાળેલાં પોતાનાં સંતાનોને ‘યસ-ડે’ ફિલ્મ પરથી પ્રેરણા લઈને તેમને બધી છૂટ આપવાનો નિર્ણય કર્યો અને એનું જે પરિણામ આવ્યું એ ભુલાય એવું નહોતું

પૅરન્ટ્સે બાળકોને ‘યસ ડે’ ફિલ્મની જેમ ખુશ કર્યાં

ફિલ્મો જોવાની જેટલી મજા આવે એટલી મજા એને વાસ્તવમાં જીવવામાં ન આવે એ હકીકત છે. સાઉથ વેલ્સના એક પરિવારે લૉકડાઉનથી કંટાળેલાં પોતાનાં સંતાનોને ‘યસ-ડે’ ફિલ્મ પરથી પ્રેરણા લઈને તેમને બધી છૂટ આપવાનો નિર્ણય કર્યો અને એનું જે પરિણામ આવ્યું એ ભુલાય એવું નહોતું. ૨૯ વર્ષની હૅના સિમોન્સન અને તેના ૩૦ વર્ષના પતિ જેમ્સે પોતાની જિંદગીનો એક દિવસ સંતાનો પાંચ વર્ષના પોપી અને ત્રણ વર્ષના ચાર્લીના તાબામાં સોંપી દીધો, જેનું આશ્ચર્યજનક રીતે ખૂબ સારું પરિણામ સાંપડ્યું હતું. 

પોપી અને ચાર્લીએ માતા-પિતાનો જાહેરમાં ફજેતો કરાવ્યો. જોકે હૅના અને જેમ્સે તેનો પણ આનંદ માણ્યો હતો. 

સૌપ્રથમ તો બન્ને બાળકોએ તેમનાં માતા-પિતાને જોકર જેવાં વસ્ત્રો પહેરાવ્યાં અને મેકઅપ પણ કર્યો. ત્યાર બાદ બહાર જવા માટે કારમાં પેટ્રોલ ન હોવાથી એવાં જ કપડાં અને મેકઅપ સાથે પેટ્રોલ ભરાવવા પેટ્રોલ-પમ્પ પહોંચ્યાં. ત્યાર બાદ મેક્ડૉનલ્ડ્સમાં નાસ્તો કરવા પહોંચ્યાં. અહીં માતા-પિતાએ તેમનાં સંતાનોની પસંદગીનો નાસ્તો કરવાનો હતો. ત્યાર બાદ તેઓ કાર-પાર્કમાં પહોંચ્યાં જ્યાં કાર વૉશ કરવાની હતી. પણ કાર-વૉશ બંધ હોવાથી માતા-પિતાએ જાતે કાર વૉશ કરવી પડી. સૌથી વધુ હાસ્યાસ્પદ બન્યાં બાળકો સાથે પાર્કમાં જઈને. બાળકોએ માતા-પિતાને સ્લાઇડ્સ, ઝૂલા અને સ્પિનિંગ ચૅર પર બેસવા કહ્યું. એકંદરે હૅના અને જેમ્સ માટે આ ‘યસ-ડે’ એક પડકાર સમાન હતો, પરંતુ તેમને એમાં આનંદ મળ્યો હતો. જોકે ‘યસ-ડે’ આપતાં પહેલાં જ માતા-પિતાએ જોખમી ચીજો ન કરવાની, કાયમી નુકસાન થાય એવી હરકત ન કરવાની, સભ્ય વર્તન કરવાની અને વધુ ખર્ચ ન થાય એની તકેદારી રાખવાની શરત કરી હતી.

offbeat news hatke news international news