ડૉગ ચોરવા આવેલા ત્રણ યુવાનો સાથે માલિકની ઝપાઝપી

12 April, 2021 08:24 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઘણી ઝપાઝપી પછી એ પોતાના ઘરમાંથી નીકળીને પાડોશી પાસે જઈને તેમની અને પોલીસની મદદ મેળવી શક્યો હતો

માલિકની ઝપાઝપી

ઇંગ્લૅન્ડના સાઉથ યૉર્કશરના ડૉન્કેસ્ટરના રયાન નામના એક રહેવાસીના ઘરમાં ડૉગ ચોરવા આવેલા કેટલાક યુવાનો ઘૂસી આવ્યા. તેને પાડોશી પાસે મદદ માગવા જતો રોકવા માટે કૂતરા ચોરનારા એટલે કે ડૉગનૅપર્સે ખૂબ ઝપાઝપી કરી. ઘણી ઝપાઝપી પછી એ પોતાના ઘરમાંથી નીકળીને પાડોશી પાસે જઈને તેમની અને પોલીસની મદદ મેળવી શક્યો હતો. રયાનની પાડોશી સાથે ઝપાઝપીનો વિડિયો સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થયો છે. જોકે ચોરમંડળી રયાનના પોમેરિયન સહિત બે પાળેલા શ્વાનો જે રૂમમાં હતા ત્યાં પહોંચી શકી નહોતી. પાડોશી અને પોલીસે સમયસર મદદ કરતાં ખુશ થયેલા રયાને તેનું સીસીટીવી કૅમેરા ફુટેજ એ બન્નેને આપ્યું તથા સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું.  

૧૯૬૦ પહેલાં અમેરિકામાં મેડિકલ કૉલેજોની તેમ જ ફાર્માસ્યુટિકલ કંપનીઓની લૅબોરેટરીઓમાં પ્રયોગ માટે કૂતરાનો ઘણો ઉપયોગ થતો હતો. એ લૅબોરેટરીઓ કૂતરા વેચાતા લેતી હતી. એ રીતે કૂતરા પૂરા પાડનારાઓ લોકોના ઘરમાંથી પાળેલા કૂતરાની ચોરી કરાવતા હતા અને પછી રકમ માગતા હોય છે. અમેરિકાની એ રીતરસમ બ્રિટન તથા યુરોપના અન્ય દેશોમાં પણ ફેલાઈ હતી. જોકે અમેરિકામાં ૧૯૬૬માં ઍનિમલ વેલ્ફેર ઍક્ટ અમલમાં આવ્યા પછી ડૉગનૅપિંગ (કિડનૅપિંગ પર આધારિત શબ્દ)ની પ્રવૃત્તિ સાવ ઘટી ગઈ હતી.

offbeat news international news england