ચાર વર્ષથી એક જ જગ્યાએ બેસીને રાહ જોતા ડૉગીનો માલિક સાથે થયો મેળાપ

18 September, 2019 10:30 AM IST  |  થાઇલૅન્ડ

ચાર વર્ષથી એક જ જગ્યાએ બેસીને રાહ જોતા ડૉગીનો માલિક સાથે થયો મેળાપ

ચાર વર્ષથી ડોગીની રાહ જોતો માલિક

થાઇલૅન્ડના ખોન કાન શહેરમાં સાઓવાલાક નામની મહિલાનો બોનબોન નામનો ડૉગી ૨૦૧૫માં ખોવાઈ ગયેલો. એક તરફ માલકણે ડૉગીને ખોળવાની પુષ્કળ કોશિશ કરી પણ એ ક્યાં ગુમ થઈ ગયો છે એ શોધી જ ન શક્યા તો બીજી તરફ જે જગ્યાએ છેલ્લે માલકણ તેને મળેલી ત્યાંથી આ બૉનબૉનભાઈ જરાય ખસ્યા જ નહોતા. ખાધાપીધા વિના તે ત્યાં જે રીતે બેઠેલો એ જોતાં તે બહુ લાંબુ જીવશે નહીં એવું લાગતું હતું. જોકે નજીકમાં જ રહેતી એક મહિલા તેને પોતાના ઘરે લઈ ગઈ. તેને નવડાવી, ખવડાવીને તાજો કર્યો. જોકે એ પછી પણ ડૉગી પેલી મહિલાના ઘરેથી નીકળીને આ જગ્યાએ આવીને બેસી જવા લાગ્યો. એ પરથી પેલી મહિલાને લાગ્યું કે કદાચ તે તેના માલિકની રાહ જોઈ રહ્યો છે એટલે તેને છેડવાને બદલે દિવસમાં બે વાર તે ઘરેથી ખાવાનું લઈને અહીં જ તેને આપી જતી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આ વિસ્તારમાંથી પસાર થતા એક પ્રવાસીને આ વાત અજીબ લાગી. તેણે આ ડૉગીની તસવીરો અને કહાણી સોશ્યલ મીડિયા પર મૂકીને માલિક પ્રત્યેની વફાદારીના વખાણ કર્યાં. ત્રણ-ચાર દિવસમાં જ આ પોસ્ટ જબરી વાઇરલ થઈ ગઈ. સાઓવાલાકની દીકરી રોઇનોઇને થયું કે શું આ તેનો બોનબોન જ હશે? તે ઘટનાસ્થળે પહોંચી અને જોયું તો જેને તેઓ ચાર વર્ષથી શોધતા હતા એ જ ડૉગી હતો. મા-દીકરી બન્ને બોનબોનને પોતાની સાથે લઈ જવા લાગ્યા, પણ કહાનીમાં ટ્વિસ્ટ એ પછી આવ્યો.

આ પણ વાંચો : ઊંઘમાં સપનું જોયું કે વીંટી ગળી ગઈ, ઊઠીને જોયું તો હકીકતમાં તે ગળી ગયેલી

આ ચાર વર્ષમાં જે મહિલાએ તેનું લાલનપાલન કર્યું એની સામે જોઈને બોનબોન ત્યાં જ બેસી રહ્યો અને જૂની માલકણ સાથે ન જ ગયો. જોકે હવે ભાઈસાહેબ રોડ પર રહેવાને બદલે પેલી મહિલાને ત્યાં રહે છે અને માલકણ મા-દીકરી તેને અવારનવાર મળવા આવવાનું વચન આપીને પોતાના ઘરે જતા રહ્યા છે.

thailand offbeat news hatke news