ઑક્સફર્ડ ગ્રૅજ્યુએટે માતા-પિતા પાસે ભરણપોષણ મેળવવા કોર્ટમાં કર્યો કેસ

12 March, 2021 07:31 AM IST  |  London

ઑક્સફર્ડ ગ્રૅજ્યુએટે માતા-પિતા પાસે ભરણપોષણ મેળવવા કોર્ટમાં કર્યો કેસ

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના કોઈ પણ દેશમાં વૃદ્ધ માતા-પિતાએ સંતાનો પાસે ભરણપોષણ માગવા અદાલતમાં અરજી કરી હોવાના કિસ્સા મળશે, પરંતુ ચાળીસી વટાવી ગયેલા ગ્રૅજ્યુએટ બેરોજગાર વ્યક્તિએ માતા-પિતા પાસે જિંદગીભરનું ભરણપોષણ માગ્યાનો કેસ લંડનની કોર્ટમાં ચાલી રહ્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએશન સુધી ભણીને વકીલ બનેલા ફૈઝ સિદ્દીકી નામના ૪૧ વર્ષના આરબે બ્રિટિશ કોર્ટમાં અરજી કરીને તેનાં માતા-પિતા પાસે આખી જિંદગીનું ભરણપોષણ માગ્યું છે. ફૈઝ સિદ્દીકીના દુબઈમાં રહેતાં અમીર માતા-પિતાએ તેને લંડનના હાઇડ પાર્ક વિસ્તારના ૧૦ લાખ પાઉન્ડ (અંદાજે ૧૦.૧૪ કરોડ રૂપિયા)ના ફ્લૅટમાં ભાડું ચૂકવ્યા વગર ૨૦ વર્ષ સુધી રહેવા દીધો અને તમામ ખર્ચનાં બિલ પણ ભર્યાં, પરંતુ કૌટુંબિક ઝઘડાને કારણે હવે માતા-પિતાએ એ બધા ખર્ચની રકમ આપવાનું બંધ કર્યું છે એથી ફૈઝે પોતે બેકાર હોવાનું કારણ દર્શાવીને પૈસાદાર મા-બાપ પાસે જીવનભરનું ભરણપોષણ માગતી અરજી અદાલતમાં કરી છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં લૉ ગ્રૅજ્યુએટ થયા પછી લંડનની અગ્રણી લૉ ફર્મ્સમાં પ્રૅક્ટિસિંગ લૉયર રહી ચૂકેલો ફૈઝ સિદ્દીકી ૨૦૧૧થી બેરોજગાર હોવાનું જણાવે છે. પોતે બેકાર હોવા છતાં અમીર મા-બાપ ભરણપોષણની રકમ ન આપે એમાં માનવ અધિકારનો ભંગ થતો હોવાનું ફૈઝે અદાલતમાં માંડેલા દાવામાં જણાવ્યું છે. અરજીમાં આરોગ્યનાં કારણો પણ દર્શાવવામાં આવ્યાં છે. ફૈઝે ૬૯ વર્ષની માતા રક્ષાંદા અને ૭૧ વર્ષના પિતા જાવેદ પાસે દર અઠવાડિયે ૪૦૦ પાઉન્ડ (અંદાજે ૪૦,૫૦૦ રૂપિયા)ની માગણી અદાલતમાં દાખલ કરેલી અરજીમાં કરી છે. ફૈઝે ૨૦૧૮માં ઑક્સફર્ડ યુનિવર્સિટી સામે અદાલતમાં માંડેલા દાવામાં શિક્ષણમાં ખામીને કારણે ઓછા માર્ક-ટકાવારી આવ્યાનું જણાવતાં ૧૦ લાખ પાઉન્ડનું વળતર માગ્યું હતું, પરંતુ એ અરજી અદાલતે નામંજૂર કરી હતી.

london offbeat news hatke news international news