જપાનનો આ અબજોપતિ બિઝનેસમૅન તેના 1000 ફૉલોઅર્સમાં 64 કરોડ રૂપિયા વહેંચશે

10 January, 2020 10:44 AM IST  |  Japan

જપાનનો આ અબજોપતિ બિઝનેસમૅન તેના 1000 ફૉલોઅર્સમાં 64 કરોડ રૂપિયા વહેંચશે

જપાનનો અબજોપતિ બિઝનેસમૅન

જપાનના અબજોપતિ બિઝનેસમૅન યુસાકુ મિજાવા ટ્વિટર પર તેના ફૉલોઅર્સને ૬૪ કરોડ રૂપિયા વહેંચવા માગે છે. પોતાના આ નિર્ણયને એક સોશ્યલ પ્રયોગ ગણાવતાં તેમણે કહ્યું છે કે ‘મારા આપેલા પૈસાથી લોકોના જીવનમાં શું બદલાવ આવે છે એ હું જોવા માગું છું. નવા વર્ષે યુસાકુ મિજાવાએ કરેલી ટ્વીટને રીટ્વીટ કરનારા તેના ફૉલોઅર્સમાંથી પસંદગીના ૧૦૦૦ ફૉલોઅર્સમાં આ પૈસા વહેંચવામાં આવશે. પોતાના આપેલા પૈસાથી પડતા ફરકને જાણવા તેઓ આ લોકોનો સમયાંતરે સર્વે પણ કરશે.

૨૦૧૦માં ટ્વિટર જૉઇન કરનારા ૪૩ વર્ષના મિજાવાના કુલ ૬૮ લાખ ફૉલોઅર્સ છે. તેમની અંગત સંપત્તિ લગભગ બે અબજ ડૉલર જેટલી છે. ઝોઝો નામની એક ફૅશન-કંપનીના માલિક યુસાકુ માને છે કે તેમના આ પ્રયોગમાં અર્થશાસ્ત્રીઓ પણ રસ લેશે. મિજાવાનું કહેવું છે કે ‘મારી પાસે પૈસા છે અને વહેંચવા માટે ફાજલ સમય પણ છે એટલે જ લોકોના જીવનમાં પૈસાથી કંઈક ખુશી આવે છે કે નહીં એનો સોશ્યલ એક્સપરિમેન્ટ કરવાનું મને સૂઝ્‍યું છે.’

આ પણ વાંચો : કેન્યાની મહિલાએ પતિને 1220 રૂપિયામાં વેચીને છોકરાંઓને કપડાં અપાવ્યાં

આ યુસાકુભાઈ જબરા શોખીન છે. ઍલન મસ્કની સ્પેસએક્સ કંપની તરફથી ચંદ્રની સફર કરનારા પ્રથમ યાત્રી પણ તેઓ બનવાના છે અને અત્યાર સુધી સ્પોર્ટ્સ કાર અને આર્ટ પર કરોડો રૂપિયા ખર્ચી નાખવા માટે હંમેશાં ચર્ચામાં રહ્યા છે.

japan offbeat news hatke news