ભાઈ, ડાયનોસૉર્સ પાછાં આવી ગયાં કે શું?

14 June, 2021 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અસ્સલ ગુજરાતીમાં દૂધરાજ નામે ઓળખાતા પક્ષીની તસવીર શૅર કરવામાં આવી હતી. શૅર કરનારા કન્સલ્ટિંગ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. રાહુલ બક્ષીએ એ પક્ષી માટુંગામાં અન્ય સિનિયર ડૉક્ટરના ઘરની બાલ્કનીનું હોવાનું કહ્યું હતું.

ગ્રે હૉર્નબિલ

રોગચાળામાં લૉકડાઉન અને માણસોના હરવા-ફરવા પર નિયંત્રણને કારણે કુદરતની અનેક છુપાઈ ગયેલી કરામતો ખુલ્લા વાતાવરણમાં આવી હતી. ગયા વર્ષે એક દુર્લભ અથવા લુપ્ત થયેલું મનાતું પ્રાણી કેરળના પાટનગર તિરુવનંતપુરમના ચાર રસ્તા-ચોકમાં ફરતું જોવા મળ્યું હતું. એવી ઘટનાઓ કેટલાક ઠેકાણે બની હતી. પરંતુ તાજેતરમાં કૉન્ક્રીટનું જંગલ મનાતા મુંબઈમાં એવી ઘટના બની છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અસ્સલ ગુજરાતીમાં દૂધરાજ નામે ઓળખાતા પક્ષીની તસવીર શૅર કરવામાં આવી હતી. શૅર કરનારા કન્સલ્ટિંગ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. રાહુલ બક્ષીએ એ પક્ષી માટુંગામાં અન્ય સિનિયર ડૉક્ટરના ઘરની બાલ્કનીનું હોવાનું કહ્યું હતું. તેમણે માટુંગામાં એવાં બે ગ્રે હૉર્નબિલ હોવાનું નોંધ્યું હતું. શિંગડા જેવી ચાંચવાળું પક્ષી ઘણા દાયકા પૂર્વે મુંબઈ અને આસપાસના પરિસરમાં વ્યાપક રૂપે જોવા મળતું હોવાથી એની સાથે મુંબઈની ઓળખ જોડાઈ ગઈ છે. તેથી જ બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીની દક્ષિણ મુંબઈસ્થિત ઇમારતને ‘હૉર્નબિલ હાઉસ’ નામ અપાયું છે. હૉર્નબિલ પક્ષી સદીઓ પૂર્વે લુપ્ત થયેલાં ઊડતાં ડાયનોસૉર્સ જેવું દેખાય છે. માટુંગામાં મળેલા રાખોડી રંગના દૂધરાજ-ગ્રે હૉર્નબિલની તસવીર ટ્વિટર પર જોઈને ઘણા ખુશ થઈ ગયા છે. એ તસવીર નીચે કમેન્ટ્સમાં કોઈએ લખ્યું કે ‘ભાઈ, ડાયનોસૉર્સ પાછાં આવી ગયાં કે શું?’

offbeat news hatke news mumbai news