માછીમારે દરરોજ ૨૦૦ શાર્ક માછલીનો સામનો કરવો પડે છે

14 April, 2021 08:36 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે કામ કરતા વેઇન મૅકમૅનસ નામના માછીમારને જે અનુભવ થયા છે એ દુનિયામાં ક્યારેય કોઈને નહીં થયા હોય

માછીમાર વેઇન મૅકમૅનસ

સામાન્ય રીતે દરિયામાં શાર્ક માછલી સાથેનો અનુભવ યા તો આજીવન યાદ રહી જનારો હોય અથવા જીવન ટૂંકાવી દેનારો હોય. કાબેલ તરવૈયાઓ તેમ જ સંશોધકો પણ શાર્ક માછલી પોતાની નજીક આવતાં ધ્રૂજી જતા હોય છે. જોકે ઑસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ખાતે કામ કરતા વેઇન મૅકમૅનસ નામના માછીમારને જે અનુભવ થયા છે એ દુનિયામાં ક્યારેય કોઈને નહીં થયા હોય.

પહેલી વાત તો એ છે કે એક સમયે જો બે-ચારથી વધુ શાર્ક માછલી જોઈ હોવાનું કોઈ વ્યક્તિ બીજા કોઈને કહે તો એ લોકોના માનવામાં જ ન આવે, પરંતુ આપણા આ મિસ્ટર વેઇને તો અકલ્પનીય વાત કરી છે. તેમણે કહ્યું છે કે ‘હું મારા કામ માટે સમુદ્રમાં જાઉં ત્યારે લગભગ દરરોજ ૧૦૦થી ૨૦૦ જેટલી શાર્ક માછલીઓ મારો પીછો કરતી હોય છે. મારી જેમ બીજા ઘણા લોકો બોટ લઈને આવી જતા હોય છે. જેમ બોટની સંખ્યા વધી જવાથી શાર્કને ‘ખોરાક’ મળવો આસાન થઈ જતો હોય છે. બોટના એન્જિનનો અવાજ સાંભળીને શાર્કને ખાતરી થાય છે કે તેમના માટેનું ફૂડ આવી ગયું. આવું માનીને શાર્ક બોટ તરફ આકર્ષાય છે અને અમે ક્યારેક તેનો શિકાર કરવામાં સફળ થઈએ છીએ.’

offbeat news australia