માલિકે પોતાના શ્વાનને જીવતો કબરમાં દાટી દીધો હતો, બાદ થયું આવું

12 October, 2020 07:52 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

માલિકે પોતાના શ્વાનને જીવતો કબરમાં દાટી દીધો હતો, બાદ થયું આવું

માલિક સાથે પાળેલો શ્વાન

રશિયાના દક્ષિણ ભાગના કોમી પ્રાંતમાં એક દંપતીએ પાળેલા કૂતરાને અસાધ્ય બીમારી થઈ હતી. કિર્યુશા નામનો સાત વર્ષનો જર્મન શેફર્ડ કૂતરો સાજો નહીં થાય એવી ખાતરી થતાં એના માલિક દંપતીએ કૂતરાને ઇન્જેક્શન દ્વારા કાતિલ ઝેરી દવા આપી દીધી. એ પછી એને મરી ગયેલો સમજીને ઘરની નજીકના હાઇવે પાસેની કોઈ જગ્યામાં જીવતો દાટી દીધો હતો. જોકે કૂતરો એ કબરની અંદરથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. દક્ષિણ રશિયાના એ હાઇવે પરથી ઓલ્ગા લિસ્તેત્સેવા નામની ૩૯ વર્ષની મહિલા કાર ડ્રાઇવ કરીને જતી હતી ત્યારે તેણે રસ્તા પર ધીમી ગતિએ ખોડંગાતા આગળ વધી રહેલા કૂતરાને જોયો ત્યારે તે અટકી ગઈ. તેણે કાર ઊભી રાખીને પેલા જર્મન શેફર્ડ કૂતરાને લાવીને કારની પાછળની સીટ પર બેસાડ્યો હતો. એને થોડું ખાવાનું આપ્યું અને પછી ૧૭ કિલોમીટર દૂર ઉખટા શહેરના રેસ્ક્યુ સેન્ટરમાં લઈ ગઈ હતી. ઓલ્ગાએ કિર્યુશાને નવજીવન આપ્યું હતું.

રેસ્ક્યુ સેન્ટરવાળાએ એના માલિકોની શોધ ચલાવી ત્યારે હકીકત પ્રકાશમાં આવી હતી. ઍનિમલ શેલ્ટર હોમ અને રેસ્ક્યુ સેન્ટર તરીકે કાર્યરત સંસ્થાએ ઑનલાઇન સાઇટ્સ પર ડૉગી કિર્યુશાના ફોટોગ્રાફ્સ મૂકવા સહિત પ્રયત્નો કર્યા ત્યારે એના માલિકોને શોધી શકાયા હતા. એ માલિક દંપતીએ કિર્યુશાને અસાધ્ય બીમારી હોવાથી એને તીવ્ર ઝેરનું ઇન્જેક્શન આપીને ઉક્ત હાઇવે પાસે દાટી દીધો હોવાનું જણાવ્યું હતું. આટલી બધી મુશ્કેલીઓ સહન કર્યા પછી પણ કિર્યુશાને મેડિકલ પ્રૉબ્લેમ હોય એવું જણાતું નથી. રેસ્ક્યુ સેન્ટરવાળા કહે છે કે એ રમતો રહે છે અને બીજા કૂતરાઓને પણ કોઈ તકલીફ આપતો નથી.

russia offbeat news hatke news international news