આગની જ્વાળાઓમાં લપેટાયેલી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ઓપન હાર્ટ સર્જરી પૂરી કરી

05 April, 2021 08:39 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

એક તરફ આગની જ્વાળાઓ ભભૂકતી હતી અને બીજી તરફ ડૉક્ટરોનાં ઓજાર દરદીની છાતી પર ચાલવા માંડ્યાં હતાં

હૉસ્પિટલ

રશિયાના વાયવ્ય પ્રાંતના બ્લેગોવેચેન્સ્કની અમુર સ્ટેટ મેડિકલ ઍકૅડેમીમાં આગ લાગી ત્યારે તેના ૧૧૪ વર્ષ જૂના કાર્ડિયોલૉજિકલ સેન્ટરમાં ઓપન હાર્ટ સર્જરીની પૂરી તૈયારી થઈ ચૂકી હતી. એક તરફ આગની જ્વાળાઓ ભભૂકતી હતી અને બીજી તરફ ડૉક્ટરોનાં ઓજાર દરદીની છાતી પર ચાલવા માંડ્યાં હતાં. ડૉક્ટરોએ પંખા વડે આગના ધુમાડાથી બચીને સર્જરી ચાલુ રાખી હતી. આગ ફેલાતી જતી હોવા છતાં ચીફ સર્જ્યન વેલિન્ટન ફિલાતોવે ઑપરેશન-થિયેટર ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. આઠ ડૉક્ટરો અને નર્સોએ બે કલાકમાં સર્જરી પૂરી કરીને દરદીને નજીકની હૉસ્પિટલમાં ટ્રાન્સફર કર્યો હતો. એ આગ બુઝાવવાના વિડિયો અને તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. ૧૯૦૭માં બંધાયેલી હૉસ્પિટલના છાપરા પર વીજળી પડવાને કારણે આગ લાગ્યા પછી ત્યાંથી ૧૨૮ જણને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સરકારની ઇમર્જન્સી મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું.

offbeat news international news russia