બૅન્ગકૉકનું આ બૌદ્ધ મંદિર ડેવિડ બૅકહૅમ ટેમ્પલ તરીકે કેમ ઓળખાય, ખબર છે?

22 July, 2020 07:00 AM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

બૅન્ગકૉકનું આ બૌદ્ધ મંદિર ડેવિડ બૅકહૅમ ટેમ્પલ તરીકે કેમ ઓળખાય, ખબર છે?

ડેવિડ બૅકહૅમ ટેમ્પલ

કરોડો ફુટબૉલરસિકોનો જીવ એવા સૉકર-પ્લેયર ડેવિડ બૅકહૅમનું નામ કોઈ મંદિર સાથે જોડાયેલું હોય એ જાણીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે, પરંતુ થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં ખરેખર ડેવિડ બૅકહૅમ ટેમ્પલ છે અને એ અનેક વિશેષતાઓથી ભરપૂર છે. આમ તો આ બૌદ્ધ મંદિર છે, પરંતુ એની અંદર એકદમ હટકે કહેવાય એવી મૂર્તિઓ પણ છે. મંદિરમાં ડેવિડ બૅકહૅમ ભગવાન બુદ્ધની મૂર્તિ લઈને ઊભો હોય એવી સોનાનો ઢોળ ચડાવેલી પ્રતિમા છે. જોકે એ સુંદર અને પવિત્ર સ્થળનાં અનેક વિશિષ્ટ આકર્ષણોમાંથી એક એ પ્રતિમા છે. એ મંદિરમાં એવી અનેક અવનવી વિશેષતાઓ છે.

આ મૂર્તિ ૧૯૯૯માં મૂકવામાં આવી હતી, કેમ કે એક મૂર્તિકાર ડેવિડ બૅકહૅમ જે ક્લબ તરફથી રમતો હતો એ મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફૅન ક્લબનો જબરો ચાહક હતો. તેણે ડેવિડ બૅકહૅમની મૂર્તિ બનાવીને એને આ મંદિરમાં મૂકવાની પરવાનગી માગી હતી અને સંચાલકોને એમાં કોઈ વાંધો નહોતો.

પારિવાટ મંદિરમાં આ પ્રતિમાની સ્થાપના પછી એ મંદિર ડેવિડ બૅકહૅમ ટેમ્પલ નામે જાણીતું બન્યું હતું. એ મંદિર બૌદ્ધ કલાકારીગરી અને પૌરાણિક પાત્રોનાં ચિત્રો અને કોતરણીઓ ઉપરાંત બીજી પણ અનેક ખૂબીઓ ધરાવે છે. અહીં તમને ફિલ્મ દ્વારા ફેમસ થયેલો બૅટમૅન અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ જોવા મળશે. ક્યાંક સસલા જેવું પાત્ર સેલ્ફી-સ્ટિક લઈને ઊભું રહેલું જોવા મળી શકે. ડ્રૅગન બૉલ ઝેડ માસ્ટર અને વાંકીચૂંકી પૂંછડીવાળા પિકાચુનાં પૂતળાં પણ જોવા મળી શકે. એક ખૂણામાં પોપેઇ ધ સેઇલર જેવાં બે પૌરાણિક પાત્રો ઊભાં હોય એવું દૃશ્ય પણ છે. બૅટમૅન હરિયાળીમાં છુપાયેલો હોય અને સ્પાઇડરમૅન કાંડે બાઝેલાં જાળાં હટાવીને આગળ વધવા પ્રયત્નશીલ હોય એવું દૃશ્ય પણ જોવા મળે છે. સ્થાનિક ટીવી-સિરિયલોમાં જાણીતું વાંદરાનું પાત્ર પણ ક્યાંક અનોખી રીતે ગોઠવાયેલું છે.

આ પણ વાંચો : આ વર્ષે મડ ફેસ્ટિવલ પણ ઑનલાઇન ઊજવાયો

કાર્ટૂન ટીવી-સિરિયલો અથવા હૉરર, માઇથોલૉજિકલ કે ઍક્શન ફિલ્મોનાં પાત્રોને બૌદ્ધ ધર્મ કે મંદિર સાથે શો સંબંધ છે એની તો કોઈને ખબર નથી, પરંતુ મંદિરના સંચાલકો કહે છે કે એ બધા કાલ્પનિક કે કથાલક્ષી સુપરહીરો કે રમૂજી પાત્રો શુભ પ્રતીક ગણાય છે અને એ પ્રતીકો બૌદ્ધ ધર્મનું રક્ષણ કરશે. જોકે એ વાતમાં સત્ય હોય કે ન હોય, એ પાત્રો મંદિરમાં પર્યટકોને આકર્ષી રહ્યાં છે.

bangkok offbeat news hatke news international news