આ જગ્યાએ રોજ 1000 લોકોને માત્ર 1 રૂપિયામાં પૂરી થાળી ખવડાવાય છે

13 October, 2020 07:17 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ જગ્યાએ રોજ 1000 લોકોને માત્ર 1 રૂપિયામાં પૂરી થાળી ખવડાવાય છે

શ્યામ કી રસોઈ

શું આજની મોંઘવારીના જમાનામાં કોઈ એક રૂપિયામાં આખી થાળી ખવડાવે એવું સંભવ છે? આ અસંભવને નજરે જોવું હોય તો દિલ્હીની ભૂતોવાલી ગલીમાં નાન્ગોઈઝ શ્યામ રસોઈમાં સવારે ૧૧થી ૧ વાગ્યા દરમ્યાન જાતે જઈને જોવું જોઈએ. અહીં માત્ર ગરીબો જ નહીં, કોઈ પણ વ્યક્તિ આવીને થાળી જમી શકે છે અને એ પણ માત્ર એક રૂપિયામાં. સવારના સમયે અહીં લાંબી લાઇન લાગેલી જોવા મળે છે. ૫૧ વર્ષના પ્રવીણ કુમાર ગોયલ છેલ્લા બે મહિનાથી આ રસોડું ચલાવે છે.

તેમનું કહેવું છે કે આ રસોડા ઉપરાંત દિલ્હીના ત્રણ અલગ-અલગ વિસ્તારમાં ઇ-રિક્શા દ્વારા લોકોને પાર્સલ પણ મોકલવામાં આવે છે. શ્યામ કી રસોઈ થકી હજારો લોકોને ભોજન મળે છે અને એ માટે તેઓ માત્ર એક રૂપિયો લે છે. અલબત્ત, પ્રવીણ કુમાર ગોયલના આ સામાજિક કાર્ય માટે લોકો સામેથી આવીને ડોનેશન આપી જાય છે. કોઈ અનાજ આપી જાય છે તો કોઈ શાકભાજી. કેટલાક લોકો ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ ડોનેશન આપી જાય છે. એ જ રીતે તેમનું આ કામ ચાલે છે. પ્રવીણકુમારનું કહેવું છે કે હાલમાં અમારી પાસે સાત દિવસ સુધી એક-દોઢ હજાર લોકોને ખવડાવી શકીએ એટલું રાશન છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા કામ માટે તેમણે માત્ર છ-સાત લોકોને જ કામે રાખ્યા છે જેમને રોજના ૩૦૦-૪૦૦ રૂપિયાનું મહેનતાણું ચૂકવાય છે. બાકીનું મોટા ભાગનું કામ કેટલાક વૉલન્ટિયર્સ દ્વારા મૅનેજ થાય છે. શરૂઆતમાં આ થાળી દસ રૂપિયામાં આપવામાં આવતી હતી, પણ હવે તે માત્ર એક જ રૂપિયામાં અપાય છે. થાળીમાં રોટી, સોયાપુલાવ, પનીર, કઠોળ અને સ્વીટ હલવા જેવી આઇટમો હોય છે અને દર રોજ એમાં વરાયટી બદલાતી રહે છે.

new delhi national news offbeat news hatke news