લંડનમાં ફોન-બૂથમાં હવે કૉફીના સ્ટૉલ બની ગયા છે

06 June, 2020 08:21 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનમાં ફોન-બૂથમાં હવે કૉફીના સ્ટૉલ બની ગયા છે

ફોન-બૂથમાં હવે કૉફીના સ્ટૉલ બની ગયા

લંડનના ફેમસ રેડ ટેલિફોન બૉક્સમાંનાં બે બૉક્સ હવે ફરી કૉફીના સ્ટૉલ્સ બની ગયાં છે. એ સ્ટૉલ લૉકડાઉનના એક અઠવાડિયા પહેલાં શરૂ કરવામાં આવ્યા ત્યારે એની અંદર મોકળાશનો અભાવ માલિકોને મૂંઝવતો હતો, પરંતુ આજે એ કૉફી સ્ટૉલ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવતા લોકો માટે આશીર્વાદરૂપ બની ગયા છે. માર્ચ મહિનાના અંતમાં કોરોના રોગચાળાને કારણે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી એના એક અઠવાડિયા પહેલાં બે મિત્રોએ વેસ્ટ લંડનનાં બે રેડ ટેલિફોન બૉક્સને કૉફી સ્ટૉલ બનાવ્યાં હતાં. તેમનું કહેવું હતું કે ‘કૉફીનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે ઘણો ઉત્સાહ હતો, પરંતુ એકાદ અઠવાડિયામાં લૉકડાઉન જાહેર કરવામાં આવતાં બધો ઉત્સાહ ઠંડો પડી ગયો. હવે લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં છે ત્યારે અમે ફરી શરૂઆત કરી છે. એ વખતે સાંકડી જગ્યાને કારણે મુશ્કેલી જણાતી હતી, પણ એ સ્થિતિ હવે આશીર્વાદરૂપ નીવડી છે. લોકો સ્ટૉલમાંથી કૉફી લઈને નજીકના પાર્કમાં છૂટાંછવાયાં બેસીને પીએ છે. અમારી કૉફી સાઉથ અમેરિકાના દેશમાંથી આવે છે એથી લૉકડાઉનને કારણે ત્યાંથી કૉફીનો પુરવઠો ખોરવાય તો અમને મુશ્કેલી પડી શકે બાકી, આ બિઝનેસ મજેદાર છે.’

london offbeat news hatke news international news