કૉફી પે ચર્ચા અને એ પણ મફત

27 September, 2020 10:16 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

કૉફી પે ચર્ચા અને એ પણ મફત

એક બારીમાંથી લોકોને મફતમાં કૉફી આપવાની શરૂઆત કરી

કોરોનાને કારણે ઘણા બધાએ નોકરી ગુમાવી. ઑસ્ટ્રેલિયામાં રહેતા રિક એવરેટ પણ એમાંના જ એક, પરંતુ લોકો આવી પરિસ્થિતિમાં દુખી ન થાય એ માટે તેણે પોતાના ઘરના રસોડાની બહાર જ એક બારીમાંથી લોકોને મફતમાં કૉફી આપવાની શરૂઆત કરી અને લોકો તેની સાથે વાતો પણ કરવા લાગ્યા. આમ શરૂ થઈ કૉફી પે ચર્ચા. રિકનો ભવિષ્યમાં કૅફે ખોલવાનો પણ વિચાર નથી. અંગકસરતના ખેલ બતાવીને તે પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ થોડી રસોઈ બનાવવાની કળા પણ જાણતો હોવાથી તેણે આવા કપરા સમયમાં લોકોને મદદ કરવાના હેતુથી આની શરૂઆત કરી છે.

કિચનની બારીની બહાર તેણે એક ટેબલ પણ મૂક્યું છે, જેમાં મેન્યૂ કાર્ડમાં કૉફી ઉપરાંત અન્ય હળવો નાસ્તો પણ લોકો મગાવી શકે છે. રિકના જણાવ્યા પ્રમાણે તે પોતાના પાડોશીઓને પણ આના મારફત જાણવા માગે છે. કેટલાક ગ્રાહકો તો રિક માટે કેક અને બિયર પણ લેતા આવે છે. રિકના મતે મારી આ એક ભેટ છે અને એનો ખર્ચ છે સ્મિત. રિકના આ પ્રયાસનાં સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યાં છે. ઘણા લોકો માત્ર અહીં આવીને કૉફી માટેનો બેલ વગાડે છે, તેમને કૉફી જોઈતી પણ નથી હોતી. તેઓ માત્ર વાત કરવા માગતા હોય છે.

australia offbeat news hatke news international news