ઘરમાં 400 દુર્લભ પ્લાન્ટ્સથી જંગલ જ બનાવી દીધું છે આ આર્કિટેક્ટ યુવાને

22 September, 2020 07:42 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ઘરમાં 400 દુર્લભ પ્લાન્ટ્સથી જંગલ જ બનાવી દીધું છે આ આર્કિટેક્ટ યુવાને

ઘરમાં 400 દુર્લભ પ્લાન્ટ્સથી જંગલ જ બનાવી દીધું છે

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતા એક યુવાન આર્કિટેક્ટે ઘરને એવું બનાવી દીધું છે કે જાણે ઘરમાં જ દુર્લભ વનસ્પતિઓનું જંગલ બની ગયું છે. જેસન ચોગ નામના ૩૨ વર્ષના આ યુવાને શહેરની વચ્ચોવચ્ચ આવેલા તેના ઘરમાં વનસ્પતિઓની માવજત કરીને શહેરી જીવનમાં પણ કુદરતનો ટચ આપી દીધો છે. જેસનના ઘરના દરેક ખૂણે તમને પ્લાન્ટ્સ જ દેખાશે. ક્યાંક લટકતા પ્લાન્ટ્સ તો ક્યાંક પૉટ્સ, ક્યાંક મોટા છોડ તો ક્યાંક વેલની લટો. દરેક શેપ અને સાઇઝના આ પ્લાન્ટ્સ કંઈ સાદા અને રુટિન નથી. મોટા ભાગના આ પ્લાન્ટ્સ દુર્લભ છે.

નાનપણમાં જ્યારે જેસન તેના પેરન્ટ્સ અને ગ્રૅન્ડ પેરન્ટ્સને ગાર્ડનિંગમાં મદદ કરતો હતો ત્યારથી તેને વનસ્પતિઓની સમજ પડવા લાગેલી. ક્યારે તેને પ્લાન્ટ્સ સાથે પ્રેમ થઈ ગયો એની ખબર જ ન પડી. તેણે અનયુઝવલ અને રૅર કહેવાય એવા પ્લાન્ટ્સ જ્યાંથી મળે ત્યાંથી એકત્ર કરવા શરૂ કરી દીધા. હાલમાં તેના ઘરમાં ૪૦૦થી વધુ દુર્લભ પ્રજાતિના છોડની માવજત થાય છે. જેસન પાસે કેટલાક છોડ તો છેક બાળપણથી સચવાયેલા પડ્યા છે.

જેસનનું કહેવું છે કે ઘરને જ જંગલ બનાવી દેવાનો વિચાર તેણે કદી કર્યો નહોતો, પરંતુ તેના ઘરની બહાર ગાર્ડનિંગ કરી શકાય એવી જગ્યાનો સદંતર અભાવ હોવાથી તેણે ધીમે-ધીમે ઘરની અંદર પ્લાન્ટ્સનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું. વ્યવસાયે આર્કિટેક્ટ એવા જેસને હવે પ્લાન્ટ્સથી ભરપૂર નવાં ઘરો ડિઝાઇન કરી આપવાનું પ્રોફેશનલ કામ પણ શરૂ કરી દીધું છે.

australia offbeat news hatke news international news