શિર્ડી સાંઈબાબા મંદિરમાં દાનપેટીમાં સિક્કા રાખવાની જગ્યા જ નથી

16 June, 2019 08:54 AM IST  |  શિર્ડી

શિર્ડી સાંઈબાબા મંદિરમાં દાનપેટીમાં સિક્કા રાખવાની જગ્યા જ નથી

દાનપેટીમાં સિક્કા રાખવાની જગ્યા જ નથી

સાંઈબાબાના કરોડો ભક્તો શિર્ડીનાં દર્શને જાય છે અને યથાશક્તિ પોતાના તરફથી ચડાવો મૂકે છે. આ મંદિરની દાનપેટી વીકમાં બે વાર બૅન્કના અધિકારીની હાજરીમાં ખૂલે છે અને ગણતરી કરીને એ રકમ બૅન્કમાં જમા કરાવવામાં આવે છે. જોકે શુક્રવારે આ કામ બંધ રાખવામાં આવ્યું હતું એનું કારણ જણાવતાં સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના સીઈઓ ‌દીપક મુગલીકરે કહ્યું હતું કે બૅન્કો પાસે સિક્કા રાખવા માટે જગ્યા ન હોવાથી ભેટની ગણતરી મુલતવી રાખવામાં આવી છે.

શિર્ડી સાંઈબાબા મંદિર દ્વારા તમામ બૅન્કો અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને પણ પત્ર લખવામાં આવ્યો છે એમ જણાવતાં ‌દીપક મુગલીકરે કહ્યું હતું કે ‘અમે તેમને અપીલ કરી છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં તેઓ અમને મદદ કરે. મંદિરમાં દાનપેટીની ગણતરી વીકમાં બે વાર કરવામાં આવે છે. દર વખતે પેટીમાં આશરે બે કરોડ રૂપિયા જમા થાય છે. એમાંથી પાંચ લાખ રૂપિયાના તો માત્ર સિક્કા જ હોય છે. જમા થયેલા રૂપિયાની નોટો અને સિક્કાને દેશની આઠ નૅશનલાઇઝ્ડ બૅન્કોમાં જમા કરાવવામાં આવે છે. થોડા દિવસ પહેલાં જ અધિકારીઓએ અમને કહેલું કે ભેટમાં આવેલા સિક્કા રાખવા માટે અમારી પાસે જગ્યા નથી.’

આ પણ વાંચો : ભક્તે તિરૂપતિ બાલાજીને 2.25 કરોડ રૂપિયાનો સોનાનો હાથ ચડાવ્યો

મળેલી માહિતી મુજબ હાલમાં સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ પાસે આજની તારીખે દોઢ કરોડ રૂપિયાના સિક્કા જમા છે.

shirdi national news offbeat news hatke news