ભાવનગર:સુપ્રીમ કોર્ટમાં લડીને 3 ફુટના યુવકે મેળવ્યું મેડિકલમાં ઍડ્‌મિશન

03 August, 2019 09:51 AM IST  |  ભાવનગર

ભાવનગર:સુપ્રીમ કોર્ટમાં લડીને 3 ફુટના યુવકે મેળવ્યું મેડિકલમાં ઍડ્‌મિશન

3 ફુટના યુવકે મેળવ્યું મેડિકલમાં ઍડ્‌મિશન

ભાવનગરના ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાની ઉંમર છે ૧૮ વર્ષ, પરંતુ ડ્વાર્ફિઝમને કારણે તેની હાઇટ અને વજન એક ત્રણ વર્ષના બાળક જેટલા છે. ત્રણ ફુટ એક ઇંચની હાઇટ અને ૧૫ કિલો વજન ધરાવતા ગણેશે આ વર્ષે મેડિકલ કૉલેજમાં ઍડમિશન લીધું હતું. જોકે અહીં સુધી પહોંચતાં ગણેશે ખૂબ લાંબી લડત લડવી પડી હતી. ગણેશ બાળપણથી જ ભણવામાં અવ્વલ હતો. તેનું કદ જોઈને કેટલાક સર્કસવાળાઓએ તેને પોતાને ત્યાં કામે રાખવાની ઑફર આપી હતી. જોકે પિતા વિઠ્ઠલભાઈએ એ નકારી દીધી. એમ છતાં સર્કસવાળાઓની નજર આ ટબૂકડા ટીનેજર પર રહેતી હોવાથી તેની મમ્મી દેવુબહેન તેની સાથે રોજ સ્કૂલે નિગરાની માટે જતાં જેથી કોઈ તેને ઉપાડી ન જાય. ગામમાં જ સ્કૂલ ચલાવતા ડૉક્ટર દલપતભાઈ કટારિયાએ ગણેશના ભણવાનો ખર્ચ ઉઠાવી લીધો હતો અને તેમણે બારમા ધોરણની પરીક્ષા ૮૭ ટકા સાથે પાસ કરીને તેણે નીટની એક્ઝામ પણ આપી. ૨૦૧૮માં આપેલી નીટની એક્ઝામમાં ૨૩૩ માર્ક્સ મેળવીને મેડિકલ લાઇનમાં ઍડમિશન મેળવવા ક્વૉલિફાય પણ કર્યું. એમ છતાં મેડિકલ કૉલેજે તેને ૭૮ ટકા વિકલાંગ હોવાથી ડૉક્ટર બનવા માટે યોગ્ય નથી એમ કહીને રિજેક્ટ કર્યો. એ પછી ગણેશ અને તેના પિતા માટે નવી લડાઈ શરૂ થઈ. કૉલેજના નિર્ણયને તેમણે હાઈ કોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો.

આ પણ વાંચો : હવે ઇશારાથી કન્ટ્રોલ થશે વિડિયો ગેમની કાર

આખરે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે કોઈની હાઇટ કે વજન ઓછા હોય એ ક્રાઇટેરિયા મેડિકલના ભણતર માટે વાજબી નથી. કોર્ટની ગ્રીન લાઇટ મળ્યા પછી આ વર્ષે ગણેશે મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન મેળવ્યું અને બે દિવસ પહેલાં જ તેણે કૉલેજ જવાનું શરૂ કર્યું છે. મેડિકલ કૉલેજમાં બીજા વિદ્યાર્થીઓએ પણ તેનું પ્રેમથી સ્વાગત કર્યું હતું. જો ગણેશ મેડિકલનું ભણવાનું પૂરું કરી લેશે તો સૌથી ટચૂકડા ડૉક્ટરનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તેના નામે થશે.

bhavnagar offbeat news hatke news gujarat