196 દેશમાં ફરી આવનાર સૌથી પહેલી મહિલા છે 21 વર્ષની

08 June, 2019 09:03 AM IST  |  અમેરિકા

196 દેશમાં ફરી આવનાર સૌથી પહેલી મહિલા છે 21 વર્ષની

લેક્સી અત્યાર સુધીમાં ૧૯૬ દેશોમાં ફરી આવી છે

છોકરી ૧૮ વર્ષની થઈ જાય એ પછીયે એકલી ભણવા માટે હૉસ્ટેલમાં મૂકવાની હોય તોયે આપણે ચાર વાર વિચાર કરીએ, જ્યારે અમેરિકામાં ૨૧ વર્ષની લેક્સી ઍલ્ફોર્ડ નામની કન્યા ૨૧ વર્ષની ઉંમરે આખા વિશ્વનું ભ્રમણ કરી આવી છે. લેક્સી અત્યાર સુધીમાં ૧૯૬ દેશોમાં ફરી આવી છે અને એના પુરાવા તે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ માટે આપી ચૂકી છે.

લેક્સીનું કહેવું છે કે દુનિયા જોવાનું તેણે બચપણથી જ નક્કી કરેલું. તેના પરિવારની કૅલિફૉર્નિયામાં ટ્રાવેલ-એજન્સી હતી. દર વર્ષે તે પેરન્ટ્સ સાથે સ્કૂલમાંથી કેટલાંક વીકની રજા લઈને અલગ-અલગ જગ્યાએ ફરી આવતી હતી. કિશોરાવસ્થાથી જ તે પેરન્ટ્સ સાથે દેશવિદેશ ઘૂમવા લાગી હતી. મમ્મી-પપ્પા સાથે તે કમ્બોડિયાનાં તરતાં ગામો, દુબઈના બુર્જ ખલીફા, આર્જેન્ટિના, ‌ઇજિપ્તના પિરામિડ્સ મળી અનેક દેશોમાં ફરી હતી.

આ બધાને કારણે લેક્સીને દુનિયાની દરેક જગ્યાની ખાસિયતો જાણવામાં મજા આવવા લાગી. તેને બીજા દેશોમાં રહેતા લોકોની જિંદગી વિશે જાણવામાં ઉત્સુકતા હતી. ત્રણ વર્ષ પહેલાં એટલે કે તે ૧૮ વર્ષની થઈ એટલે તેણે દુનિયાના દરેક નાના-મોટા દેશોમાં ફરવાનું મિશન હાથ ધર્યું. તે ૧૮ વર્ષની થઈ ત્યાં સુધીમાં ઑલરેડી તે ૭૮ દેશમાં ફરી ચૂકી હતી, એટલું જ નહીં, હાઈ સ્કૂલની એક્ઝામ તેણે નિયત સમય કરતાં બે વર્ષ પહેલાં જ આપીને પાસ કરી લીધી હતી અને લોકલ કૉલેજમાંથી અસોસિયેટ ડિગ્રી પણ મેળવી લીધી હતી. બસ, એ પછી તેણે વધુ ભણવાને બદલે વધુ ફરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો : આ માણસનું મોઢું નથી, પર્સ છે

વિશ્વભ્રમણ કરવું હોય તો ખૂબ પૈસા જોઈશે એની તેને ખબર હતી એટલે ૧૨ વર્ષની હતી ત્યારથી જ તેણે સેવિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ફરવા જતાં પહેલાં તેણે દરેક દેશોની ખાસિયતો સમજીને ત્યાંની સસ્તી હોટેલોની શોધખોળ કરી અને બજેટને જાળવી રાખ્યું. આફ્રિકાના કેટલાક દેશોમાં તેને બહુ તકલીફ પડી, કેમ કે ત્યાં અંગ્રેજી સમજી શકે એવા ગાઇડ અને રહેવાની વ્યવસ્થા શોધવામાં બહુ મુશ્કેલી પડી હતી. ટૂંકમાં લેક્સીબહેન ૨૧ વર્ષની ઉંમરે ૧૯૬ દેશો ફરી વળ્યાં અને હવે એનો રેકૉર્ડ નોંધાય એની રાહ જોઈ રહ્યાં છે.

offbeat news hatke news