રોજ પથારીમાં જ ખાવાની આદતને કારણે કાનમાં ૧૧ કૉક્રોચ ઘુસી ગયા

11 November, 2019 11:02 AM IST  |  China

રોજ પથારીમાં જ ખાવાની આદતને કારણે કાનમાં ૧૧ કૉક્રોચ ઘુસી ગયા

ભાઈના કાનમાંથી વાંદા નીકળ્યા

ચીનના ગુઆંગડૉન્ગ પ્રાંતમાં ૨૪ વર્ષના લવ નામના એક યુવકને કાનમાં ખૂબ જ દુખાવો ઊપડતાં તરત જ તેને દવાખાને લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ કાનમાં દૂરબીન જેવું સાધન નાખીને જોયું તો હક્કાબક્કા રહી ગયા. તેના કાનમાં વાંદા સળવળાટ કરી રહ્યા હતા. એક જ નહીં, ઘણાબધા વાંદા હોય એવું લાગતું હતું. સવારે તે ઊઠ્યો ત્યારે જ તેને કાનમાં સળવળાટ થવા લાગેલો અને પછી તો ધીમે-ધીમે દુખાવો વધવા લાગેલો. આવું કઈ રીતે થયું એના મૂળમાં જતાં પહેલાં ડૉક્ટરોએ લવના કાનમાં સાધન નાખીને કૉક્રોચને કાઢવાનું કામ કર્યું તો એક પછી એક એમ કુલ ૧૧ વાંદા નીકળ્યા. એક સૌથી મોટો વાંદો હતો, બાકીનો એક વાંદો એનાથી અડધા કદનો અને અન્ય તો દસ સેન્ટિમીટરથીયે ટચૂટકા હતા. રાતના સમયે તેના કાનમાં વાંદા કઈ રીતે ગયા હશે એ વિશે જાણવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે લવભાઈને તો રોજ પથારીમાં જ ખાવાનું ખાવાની આદત હતી. ખાધેલી ડિશ પણ તે ત્યાં જ મૂકીને સૂઈ જતો હતો. ડૉક્ટરોનું માનવું છે કે ખોરાકનો કચરો જ્યાં હોય ત્યાં વાંદા બહુ સરળતાથી પહોંચી જાય છે એટલે પથારીમાં ઝીણા વાંદા થયા હશે. ભાઈસાહેબ ઘસઘસાટ ઊંઘમાં હશે ત્યારે એ વાંદા કાનમાં ઘૂસી ગયા હશે. 

hatke news offbeat news