મેથીની ભાજી સમજી ગાંજાનું શાક ખાનારા છ જણા હૉસ્પિટલ ભેગા

01 July, 2020 02:56 PM IST  |  Kannauj | Gujarati Mid-Day Online Correspondent

મેથીની ભાજી સમજી ગાંજાનું શાક ખાનારા છ જણા હૉસ્પિટલ ભેગા

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશનાં કનૌજમાં એક કુટુંબ એક સાવ મુર્ખામી ભરેલી ભૂલને કારણે હૉસ્પિટલ ભેગું થઇ ગયું છે. આ પરિવારે મેથીની ભાજી સમજીને જે ભાજી રાંધીને ખાઇ લીધી એ તો ગાંજાના પાન હતા. શનિવારે મિયાગંજ ગામમાં આ ઘટના ઘટી છે. એક શાકભાજી વાળાએ નિતેશ નામના માણસને ગાંજો વેચ્યો અને વેચતી વખતે કહ્યું કે આ મેથી છે. નિતેશને સમજાયું નહીં કે તેને મેથીને નામે ગાંજો અપાયો અને તેણે ઘરે આવીને તેની ભાભી પિંકીને આ ‘ભાજી’ આપી દીધી.

સાંજે ચાર વાગ્યાની આસપાસ પિંકીએ પણ મેથીની ભાજી સમજીને આ ગાંજાના પાંદડા રાંધી નાખ્યા અને પછી ઘરનાં છએ જણાએ  ‘ગાંજાનું શાક ખાધું’. થોડા સમય બાદ આ પરિવારની તબિયત કથળવા માંડી અને તેમણે પાડોશીએને કહ્યુ કે તરત ડૉક્ટરને બોલાવે. ડૉક્ટર આવે તે પહેલા તો આ બધા બેભાન થઇ ગયા અને પાડોશીઓએ પોલીસ બોલાવી. પોલીસે આવીને તરત જ પરિવારનાં સભ્યોને જિલ્લાની હૉસ્પિટલમાં દાખલ કર્યા અને રાંધેલા શાકને અને નહીં વપરાયેલા ગાંજાને હસ્તગત કર્યો. આ તરફ પોલીસે જલદી જ તપાસ કરી અને પેલા શાકભાજી વાળાને શોધી કાઢ્યો. તેણે કહ્યુ કે એણે તો મજાકમાં જ મેથી કહીને ગાંજો વેચ્યો હતો. પોલીસે જાણ કરી છે કે આ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાશે અને જરૂરી પગલા લેવાશે.

uttar pradesh national news offbeat news