01 October, 2025 11:20 AM IST | Mysuru | Gujarati Mid-day Correspondent
ડ્રોન-શો
આ વર્ષે મૈસૂરમાં દશેરાનો ઉત્સવ ૧૦ દિવસનો મનાવાય છે. મા ચામુંડેશ્વરીદેવીએ મહિષાસુરને હણ્યો હતો એનો લાંબો ઉત્સવ દશેરાના દસેય દિવસ દરમ્યાન ઊજવાય છે. રવિવારે દશેરાની ઉજવણી નિમિત્તે ડ્રોન-શો યોજાયો હતો. એમાં ૨૯૮૩ ડ્રોન દ્વારા આકાશમાં વિવિધ રંગબેરંગી આકૃતિઓ રચવામાં આવી હતી. મુખ્યત્વે દેવી ચામુંડેશ્વરીદેવીની કૃતિ ઊપસાવી હતી અને સાથે તેમના વાહન વાઘની પણ રચના કરી હતી. આ ડ્રોન-શોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધ મળી હતી. આ પહેલાંના સૌથી જાયન્ટ ડ્રોન-શોના રેકૉર્ડમાં ૧૯૮૫ ડ્રોન વપરાયાં હતાં. રવિવારે થયેલા ડ્રોન-શોમાં લગભગ ૩૦૦૦ ડ્રોન્સ વપરાયાં હતાં જેમાંથી લગભગ ૨૯૮૩માં એકસાથે લાઇટિંગ થઈ હતી. ડ્રોન્સ દ્વારા વાઘ અને માતા ચામુંડેશ્વરીદેવી ઉપરાંત સૌરમંડલ, વિશ્વચિત્ર, મોર, ડૉલ્ફિન, ચીલ, કાળિયા નાગને નાથતા કૃષ્ણ, સૈનિક અને કર્ણાટક રાજ્ય સાથે સંકળાયેલી બીજી કેટલીક કૃતિઓની રચના આકાશમાં કરવામાં આવી હતી.