22 August, 2026 12:20 PM IST | Chhindwara | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થીઓએ કલેક્ટરની ઑફિસમાં જઈને ટીચર માટે કરી ફરિયાદ
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના જુન્નરદેવ તાબેની એક સરકારી આદિવાસી સ્કૂલમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મંદિર સમી સ્કૂલમાં એક ગેસ્ટ ટીચર અને શિક્ષિકા વચ્ચેનો કથિત પ્રેમસંબંધ બાળકોના અભ્યાસ પર ભારે પડી રહ્યો હતો. આરોપ છે કે આ પ્રેમઘેલાં શિક્ષક-શિક્ષિકા પોતાના ક્લાસ વહેલા પૂરા કરીને સ્કૂલના એક વર્ગખંડમાં એકબીજા સાથે સમય વિતાવતાં હતાં.
મહિનાઓ સુધી અભ્યાસ બગડતાં આખરે પાંચમાથી આઠમા ધોરણના પચાસથી ૬૦ વિદ્યાર્થીઓ કંટાળ્યા હતા. તેમણે વાલીઓ અને ગ્રામજનો સાથે વાહનોમાં બેસી છેક ૧૦૦ કિલોમીટર દૂર આવેલા જિલ્લા-મથકે પહોંચીને આદિવાસી કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. આદિવાસી બાળકોએ અધિકારીઓને કહ્યું હતું કે સ્કૂલ મેં દોનોં ટીચર્સ હમેં પઢાને કે બદલે પ્યાર-મોહબ્બત કરતે રહતે હૈં.
બાળકોની આ સીધીસટ રજૂઆત અને આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ પ્રેમી પંખીડાં એવાં શિક્ષક-શિક્ષિકાને નોકરીમાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢ્યાં છે અને તેમનું નામ બ્લૅક-લિસ્ટ કરી દેવાયું છે જેથી ભવિષ્યમાં પણ તેઓ ક્યારેય શિક્ષક તરીકે નોકરી કરી શકે નહીં. આટલું પૂરતું ન હોય એમ સ્કૂલના પ્રિન્સિપાલને પણ કારણદર્શક નોટિસ ફટકારીને તેમની સામે પણ કડક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.