13 April, 2026 01:09 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
અંધવિશ્વાસમાં દીકરીનો જીવ જતો રહ્યો
ઉત્તર પ્રદેશના મેરઠમાં દીકરીની લાશ સાથે તેના પિતા ૬ મહિના સુધી રહ્યા હતા. જ્યારે ઘરમાંથી અત્યંત માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતાં વાત બહાર આવી ગઈ હતી. મેરઠના સદર બજારમાં તેલી મોહલ્લામાં તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસથી પ્રભાવિત થઈ ગયેલાં પિતા-પુત્રીનો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો હતો. આ જ અંધવિશ્વાસમાં દીકરીનો જીવ જતો રહ્યો છતાં પિતાએ તેના અંતિમ સંસ્કાર ન કર્યા. તેણે દીકરીનું શબ ઘરમાં જ રાખ્યું. એ કોહવાઈ ગયું હતું. પિતા-પુત્રીએ છેલ્લાં બે વર્ષથી ઘરમાં ઝાડું પણ માર્યું ન હોવાથી ઑલરેડી એ ગંદકીથી ખદબદતું હતું, એમાં વળી શબ કોહવાની વાસે પરિસ્થિતિ ઑર ખરાબ થઈ ગઈ. જ્યારે વાસને કારણે પાડોશીઓએ પોલીસને બોલાવીને ઘર ખોલાવ્યું ત્યારે ઘરની અંદર ભૂતબંગલા જેવા હાલ હતા. પિતાએ કહ્યું હતું કે ૨૦૨૫ના ઑક્ટોબર મહિના પછી દીકરી પ્રિયંકા ઘરની બહાર નીકળી નહોતી. પિતા શબ પર પરફ્યુમ છાંટી-છાંટીને વાસ છુપાવવાની કોશિશ કરતો રહ્યો. આખરે પિતા થોડા દિવસ પહેલાં ઘર બંધ કરીને હરિદ્વાર જતો રહ્યો ત્યારે વાસ બેકાબૂ થઈ ગઈ અને પોલીસમાં ફરિયાદ થતાં ઘટના બહાર આવી.