21 November, 2026 11:54 AM IST | Yavatmal | Gujarati Mid-day Correspondent
પપ્પાની ઍક્ટિવા સાથે સ્વૅગથી પૉઝ આપનારા બે વર્ષના ટાબરિયાનું ગ્રૅજ્યુએશન સુધીનું ભણતર સ્પૉન્સર કરશે શોરૂમના માલિક
પપ્પાએ નવા ખરીદેલા હૉન્ડા ઍક્ટિવા પાસે બે વર્ષનો એક છોકરો સ્વૅગ સાથે ઊભેલો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર સેન્સેશન બની ગયો છે. આ વિડિયો વાઇરલ થયા પછી હૉન્ડાના ડીલરે આ છોકરાના ગ્રૅજ્યુએશન સુધીનો ખર્ચ ઉઠાવવાનો દાવો કરતાં આ બાળક વધુ વાઇરલ થયો હતો. જેન-ઝીની ભાષામાં લોકો છોકરાને ઑરા કિડ માની રહ્યા છે. મહારાષ્ટ્રના યવતમાળમાં રહેતો રુદ્રાંશ સિંહ ઠાકુર તેના પેરન્ટ્સ અને મોટી બહેન સાથે હૉન્ડાના શોરૂમ પર નવું સ્કૂટર લેવા માટે ગયો હતો. એ વખતે કૉન્ફિડન્સ સાથે પોઝ આપતા આ ટાબરિયાનો કોઈકે વિડિયો લીધો હતો. ટચૂકડા સનગ્લાસિસ પહેરીને ખિસ્સામાં હાથ નાખીને પોઝ આપી રહેલા રુદ્રાંશના હાવભાવ એવા હતા કે સોશ્યલ મીડિયા યુઝર્સ એને ઇગ્નોર ન કરી શક્યા. આ વિડિયોને ૧૩.૭ કરોડ વ્યુઝ મળ્યા અને ૬૦,૦૦૦ લોકોએ કમેન્ટ પણ કરી જેમાં અનેક લોકોએ છોકરાને ઑરા કિડનું ટાઇટલ આપ્યું હતું. રુદ્રાંશની આ વાઇરલ થવાની સફરમાં મોટો ટર્નિંગ પૉઇન્ટ થોડા દિવસ પછી આવ્યો. જે હૉન્ડાના શોરૂમમાં આ વિડિયો લેવાયેલો એ સાંઈ પૉઇન્ટ હૉન્ડા શોરૂમના માલિક દિલીપ બોબાડે પાટીલે રુદ્રાંશ અને તેના પરિવારને સેલિબ્રેશન માટે પાછો ઇન્વાઇટ કર્યો હતો. શોરૂમના સ્ટાફ સાથે રુદ્રાંશના પરિવારે વાઇરલ વિડિયોની ઉજવણી કરી હતી અને એ જ વખતે દિલીપ પાટીલે રુદ્રાંશના ગ્રૅજ્યુએશન સુધીના ભણતરને સ્પૉન્સર કરવાની જાહેરાત કરી હતી. દીકરા પર વરસી રહેલા પ્રેમથી તેનાં માતા-પિતા બહુ ખુશ છે.