13 July, 2026 04:52 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
આ ભાઈની એક બૂમ ભલભલાને બહેરા કરી શકે એમ છે
ઑસ્ટ્રેલિયાના કૅનબેરામાં રહેતા જૉસેફ મૅકગ્રેલ નામના ૫૮ વર્ષના ભાઈએ તાજેતરમાં દુનિયાના સૌથી લાઉડ વ્યક્તિનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેમની એક બૂમ એટલી જોરદાર અને પ્રચંડ હોય છે કે જો તેમની બાજુમાં ઊભા રહીને સાંભળવામાં આવે તો ઍટ લીસ્ટ થોડાક સમય માટે તો બહેરાશ આવી જ જાય. તેમની બૂમની તીવ્રતા ૧૨૨.૪ ડેસિબલ અવાજ કરે છે. આટલો અવાજ ત્યારે થાય જ્યારે કોઈ ઍરક્રાફ્ટ ટેકઑફ કરતું હોય.
આ પહેલાં ૧૯૯૪માં ૧૨૧.૭ ડેસિબલ અવાજ સાથે બૂમ પાડતા આયરલૅન્ડના એક ટીચરના નામે આ રેકૉર્ડ હતો. તાજેતરમાં જૉસેફભાઈએ આ રેકૉર્ડ તોડ્યો છે. તેમનો સામાન્ય અવાજ પણ ખૂબ મોટો છે, પરંતુ બૂમ પાડે ત્યારે એ માઇકમાં ઍમ્પ્લિફાય થતો હોય એટલો મોટો હોય છે. કૅનબેરાના એક સ્ટુડિયોમાં તેમના અવાજનું રેકૉર્ડિંગ કરીને આ તીવ્રતા નોંધવામાં આવી હતી. જો આટલો અવાજ ખૂબ નજીકથી સતત ૧૦ મિનિટ માટે તમારા કાનમાં પડે તો બહેરાશ આવી જઈ શકે છે.