22 July, 2026 01:32 PM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
કૂવામાં રોટલો નાખીને વરસાદનો વરતારો જોવામાં આવે છે સૌરાષ્ટ્રના આ ગામમાં
જામનગર પાસેના આમરા ગામે સદીઓ જૂની પરંપરા છે. દર વર્ષે અષાઢ મહિનાના પહેલા સોમવારે આ વર્ષે કેવો વરસાદ રહેશે એનો વરતારો જોવામાં આવે છે. આ માટે ગામના ભમરિયા કૂવામાં જુવાર-બાજરાનો રોટલો પધરાવવામાં આવે છે. રોટલો કઈ તરફ જાય છે એના આધારે ચોમાસું કેવું રહેશે એ ભાખવામાં આવે છે. આ માટેની વિધિ પણ વિવિધ સામાજિક વર્ગોને એક કરનારી છે. વિધિ મુજબ સતવારા સમાજના ઘરે બનેલો રોટલો વણિક પરિવાર દ્વારા વાજતે-ગાતે મંદિર સુધી લઈ જવાય છે. અહીં સતી માતાના મંદિરે પૂજા-અર્ચના કરીને ક્ષત્રિય પરિવારના સભ્ય દ્વારા એ રોટલો અને એના પર ટુકડો ગોળ મૂકીને કૂવામાં પધરાવવામાં આવે છેcu. રોટલો ઉગમણી દિશા તરફ જાય તો ચોમાસું સારું રહે અને આથમણી દિશા તરફ જાય તો નબળું ચોમાસું રહે અને દુકાળની ભીતિ રહે. જોકે આ વર્ષે રોટલો ઉગમણી દિશા તરફ જતાં ગામના લોકો ખુશ થઈ ગયા હતા.