દીકરા સાથે ૮૦ વર્ષે ભારતમાં સ્કાયડાઇવિંગ કરનારાં સૌથી બુઝુર્ગ મહિલા બન્યાં આ ડાૅક્ટર

03 July, 2025 12:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડૉ. શ્રદ્ધા ભારતના વીર યોદ્ધા રિટાયર્ડ બ્રિગેડિયર સૌરભ સિંહ શેખાવતનાં મમ્મી છે. તેમણે દીકરાની સાથે સ્કાયડાઇવિંગ કર્યું હતું.

ડૉ. શ્રદ્ધા ચૌહાણે ૮૦ વર્ષની ઉંમરે ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએથી ભારતમાં સ્કાયડાઇવિંગ કરીને સૌથી વયસ્ક સ્કાયડાઇવરનો રેકૉર્ડ નોંધાવ્યો હતો

વિદેશોમાં તો ૯૦ અને ૯૫ વર્ષે પણ સ્કાયડાઇવિંગ કરનારાં છે, પરંતુ આ સાહસ બાબતે ભારતીયોની તૈયારી ઓછી હોય છે. જોકે તાજેતરમાં ડૉ. શ્રદ્ધા ચૌહાણે ૮૦ વર્ષની ઉંમરે ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએથી ભારતમાં સ્કાયડાઇવિંગ કરીને સૌથી વયસ્ક સ્કાયડાઇવરનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. ડૉ. શ્રદ્ધા ભારતના વીર યોદ્ધા રિટાયર્ડ બ્રિગેડિયર સૌરભ સિંહ શેખાવતનાં મમ્મી છે. તેમણે દીકરાની સાથે સ્કાયડાઇવિંગ કર્યું હતું.

એવું નહોતું કે ડૉ. શ્રદ્ધાને નખમાંય રોગ ન હોય. વર્ટિગો, સર્વાઇકલ સ્પૉન્ડિલૉસિસ અને સ્લીપ ડિસ્ક જેવી સમસ્યાઓ હોવા છતાં તેમણે પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે સ્કાયડાઇવિંગ કર્યું હતું. ભારતના એકમાત્ર લાઇસન્સ ધરાવતા સિવિલિયન સ્કાયડાઇવિંગ ડ્રૉપ ઝોન સ્કાયહાઈ ઇન્ડિયા સાથે તેમણે આ કારનામું નોંધાવ્યું હતું. ૮૦ વર્ષની ઉંમરે સ્કાયડાઇવિંગ કરવાનું સાહસ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અનેક લોકો માટે તે પ્રેરણારૂપ બન્યાં હતાં. ડૉ. શ્રદ્ધા આ અનુભવ લીધા પછી કહે છે, ‘પ્રેમની કોઈ ઊંચાઈ નથી હોતી અને સાહસની કોઈ સીમા નહોતી. બાળપણમાં હું મારા દીકરાની આંગળી પકડીને ઉડાન ભરવા લઈ જતી હતી અને આજે મારા દીકરાએ મને ઊંચકીને આકાશની સૈર કરાવી હતી.’

india social media health tips sports news sports news offbeat news