સુરતના રોડ પર જોવા મળી ભારતની પહેલી ટેસ્લાની સાઇબરટ્રક

27 April, 2025 11:44 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

સુરતના કરોડપતિઓમાં લવજી બાદશાહ તરીકે જાણીતા લવજી દલિયાએ ખરીદેલી આ સાઇબરટ્રક ભારતની પહેલી અને એકમાત્ર હોવાનો દાવો થઈ રહ્યો છે

ભારતની પહેલી ટેસ્લાની સાઇબરટ્રક સુરતના રોડ પર જોવા મળી.

હીરાનગરી તરીકે જાણીતા સુરતમાં છેલ્લા થોડાક દિવસથી ટેસ્લાની સાઇબરટ્રકે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે. સુરતના કરોડપતિઓમાં લવજી બાદશાહ તરીકે જાણીતા લવજી દલિયાએ ખરીદેલી આ સાઇબરટ્રક ભારતની પહેલી અને એકમાત્ર હોવાનો દાવો થઈ રહ્યો છે. લવજી દલિયા બિલ્ડર અને ગોપિન ગ્રુપના પ્રમોટર છે. લવજી દલિયાના મોટા દીકરા પીયૂષનું કહેવું છે કે ‘અમે ઑનલાઇન જે ચેક કર્યું એ અનુસાર આ સાઇબરટ્રક ભારતમાં એકમાત્ર છે. ભારતમાં આવી બીજી કોઈ કાર ઇમ્પોર્ટ નથી થઈ. અમે છ મહિના પહેલાં અમેરિકાના ટેક્સસમાં ટેસ્લાના શોરૂમમાં આ કાર બુક કરી હતી. તમામ પ્રક્રિયાઓ પછી અમને થોડા દિવસ પહેલાં જ એની ડિલિવરી મળી છે. અમે એ કારને પહેલાં દુબઈ લઈ આવ્યા જ્યાં રોડ-રજિસ્ટ્રેશન થયું અને પછી સમુદ્રમાર્ગે કાર ભારત પહોંચી.’

આ કાર ગુરુવારે સુરત પહોંચી હતી. સાઇબરટ્રકની બેઝ-પ્રાઇસ ૭૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૬૦ લાખ રૂપિયા છે. આ કારને પર્સનલાઇઝ્ડ કરવા માટે લવજીભાઈએ એના પર ‘ગોપિન’ નામ અંકિત કરાવ્યું છે. આ કાર કેટલામાં પડી એની કિંમતનો ખુલાસો કર્યા વિના પીયૂષ દલિયાનું કહેવું છે કે ‘લૉજિસ્ટિક ચાર્જ ખૂબ વધારે હતા. કારમાં પાંચ લોકો બેસી શકે એવી જગ્યા છે. સુરત કાર આવ્યા પછી મેં પેરન્ટ્સ અને નાના ભાઈને લઈને એ કાર ફેરવી હતી. આવી કાર ચલાવવાનો અનુભવ બહુ શાનદાર છે. આ કારને ઇલેક્ટ્રિક ચાર્જિંગ માટે છ કલાક લાગે છે. એક વાર ચાર્જ કરવા પર ૫૫૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. સંપૂર્ણ ઑટોમૅટિક આ કારમાં લેટેસ્ટ સુવિધાઓ છે અને કેટલાંક તો એવાં ફીચર્સ છે જે અન્ય ઇમ્પોર્ટેડ કારમાં નથી હોતાં.’

surat technology news gujarat gujarat news news offbeat news social media