19 September, 2025 02:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નવો લૉન્ચ થયેલો iPhone 17 પ્રો કોસ્મિક ઑરેન્જ રંગમાં (તસવીર: પીટીઆઇ)
આજથી સમગ્ર ભારતમાં ઍપ્પલની નવી ‘iPhone 17’ સિરીઝનું સત્તાવાર વેચાણ શરૂ થઈ ગયું છે. Apple નો નવો ફોન લેવા માટે લોકો ગઈ કાલ રાતથી જ દેશભરના ઍપ્પલ સ્ટોરની બહાર લાઇન લગાવીને ઊભા હતા અને સવાર થતાં જ તેમણે ‘iPhone 17’ સિરીઝના ફોન ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. આ દરમિયાન સૌથી વધુ પ્રખ્યાત છે ‘iPhone 17’ સિરીઝનો ઑરેન્જ કલર. આ ફોન ખરીદવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તે વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હી, મુંબઈ, પુણે અને બૅંગલુરુમાં સત્તાવાર Apple સ્ટોર્સની બહાર લોકો મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા છે. લોકો તેમના જૂના iPhone ને નવી સિરીઝમાં બદલીને ખુશ જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક પહેલી વાર `Apple’ પર સ્વિચ કરી રહ્યા છે. ભારતમાં iPhone 17 ના પ્રથમ ખરીદદારોમાંના એકનો વાયરલ વીડિયોમાં તે પહેલી વાર ફોનના `કૉસ્મિક ઑરેન્જ` રંગની પ્રશંસા કરતો જોવા મળી રહ્યો છે. ફોન ખરીદ્યા પછી ખુશી વ્યક્ત કરતી વખતે, તે વ્યક્તિએ કહ્યું કે ફોનનો કૉસ્મિક ઑરેન્જ રંગ `ખતરનાક, અને ‘બઢીયા’ (અદ્ભુત અને સુંદર) દેખાઈ રહ્યો છે. વધુમાં, તેણે કહ્યું, "ખાસ કરીને આ વખતે આ ઑરેન્જ રંગનો ક્રેઝ વધુ રહેશે કારણ કે ભારતમાં ભગવા (કેસર) ખૂબ જ ખાસ છે. હું મુસ્લિમ છું, પણ મને આ રંગ ખૂબ ગમે છે” અને પછી તે તેના નવા આઇફોન 17 પ્રોંએ કિસ કરે છે.
અહીં જુઓ વીડિયો
આ વીડિયો પીટીઆઈ દ્વારા X પર શૅર કરવામાં આવ્યો હતો. ક્લિપમાં, તે માણસ દિલ્હીના સાકેત ખાતેની સત્તાવાર ઍપ્પલ સેલર દુકાનમાં ફોનના પ્રથમ ખરીદદારોમાંના એક તરીકે દર્શાવવામાં આવ્યો હતો. તે માણસે કહ્યું કે તે ફોન ખરીદવા માટે વહેલી સવારથી લાઇનમાં ઊભો હતો.
ભારતમાં આઇફોન વેચાણ પર છે
ઍપ્પલની બહુપ્રતિક્ષિત આઇફોન 17 સિરીઝ હવે સમગ્ર ભારતમાં ખરીદી માટે ઉપલબ્ધ છે, જે સફળ પ્રી-ઓર્ડર પછી સત્તાવાર ઓપન સેલ લૉન્ચને ચિહ્નિત કરે છે. નવી આઇફોન સિરીઝ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ સૂચિબદ્ધ છે, જ્યારે ગ્રાહકો સીધા ઍપ્પલ સ્ટોર ઇન્ડિયા અને દેશભરમાં અધિકૃત રિટેલ આઉટલેટ્સ પરથી પણ ખરીદી શકે છે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ, બ્લિંકિટ અને ઝેપ્ટો, આઇફોન 17 પણ ઑફર કરી રહ્યા છે, જે પસંદગીના શહેરોમાં 10 મિનિટની અંદર ડિલિવરી માટે પણ ઉપલબ્ધ છે. એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ બન્નેએ આકર્ષક લૉન્ચ ઓફર્સ અને EMI વિકલ્પોની યાદી આપી છે. આ ઉપકરણો મુખ્ય શહેરોમાં 2-3 દિવસની ડિલિવરી સાથે ઉપલબ્ધ છે.