આ ભાઈએ ઝોમૅટો જુગાડ વાપર્યોઃ ફૂડની હોમ ડિલિવરી સાથે ફ્રી-રાઇડ પણ મેળવી

18 August, 2019 07:49 AM IST  |  હૈદરાબાદ

આ ભાઈએ ઝોમૅટો જુગાડ વાપર્યોઃ ફૂડની હોમ ડિલિવરી સાથે ફ્રી-રાઇડ પણ મેળવી

ઓબેશનો ઝોમેટો જુગાડ!

હૈદરાબાદમાં ઓબેશ નામના એક જુગાડિયા યુવાને પોતે એક સાંજે કઈ રીતે ફૂડની સાથે ફ્રી-રાઇડ પણ મેળવી એની ઘટના પોતાના ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ પર શૅર કરી છે. આ ઘટના સાંભળીને અનેક લોકો તેની સ્માર્ટનેસ માટે વાહવાહી કરી રહ્યા છે. વાત એમ છે કે રાતે ૧૧.૫૦ વાગ્યે ઓબેશ હૈદરાબાદના ઇનઑર્બિટ રોડ પર ઑટોરિક્ષા શોધી રહ્યો હતો, પણ એ સમયે કોઈ રિક્ષાવાળો દેખાતો નહોતો. તેણે ઉબર ઍપ ખોલી અને ઘર સુધીની કૅબ બુક કરવાની કોશિશ કરી તો ૩૦૦ રૂપિયા ભાડું દેખાતું હતું. આટલાબધા રૂપિયા કેમ આપવા? બીજી તરફ તેને કકડીને ભૂખ પણ લાગી હતી એટલે તેણે ફોનમાં ઝોમૅટો ઍપ ખોલી. નજીકમાં જ એક ઢોસાવાળો હતો. ઍપ પર જ તેણે ઘરના એડ્રેસ પર ડિલિવરી કરવાનો પોતાનો ઑર્ડર બુક કરી દીધો. તે એ ઢોસાવાળા પાસે ઊભો જ હતો ત્યાં ઝોમૅટોમાંથી ડિલિવરી બૉય તેનો ઑર્ડર લેવા આવ્યો. ઓબેશે ફોન કરીને તેને કહ્યું કે આ મારો જ ઑર્ડર છે, તું આમેય ડિલિવરી કરવા ત્યાં સુધી તો જઈશ, તો પછી મને પણ સાથે લઈ જા. ડિલિવરી બૉયે પણ તેને પોતાની બાઇક પાછળ બેસાડી દીધો. તે કોઈ જ વધારાના ખર્ચ વિના પોતાના ઘરે પણ પહોંચી ગયો અને સાથે તેનું ફૂડ પણ તૈયાર હતું. ઘરે પહોંચીને ઝોમૅટોના બૉયે માત્ર એટલી જ રિક્વેસ્ટ કરી, ‘સર, મને ફાઇવ-સ્ટાર રેટિંગ આપજો.’

આ પણ વાંચોઃ 68 વર્ષથી આ કપલ રોજ એકબીજાને મૅચિંગ કપડાં જ પહેરે છે

ભાઈસાહેબનો આ જુગાડ હવે બહુબધા લોકો વાપરવા લાગશે તો ઝોમૅટોએ પૉલિસીમાં કંઈક બદલાવ લાવવા વિશે વિચારવું પડશે.

offbeat news hatke news hyderabad national news